કોરોના વાયરસને નાથવા ઓલપાડની કાછબ પ્રાથમિક શાળાના શિક્ષક હેમલભાઈ પારેખનો નવતર પ્રયોગ

વિશ્વના મહત્તમ દેશોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ભારત દેશ કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં છે. લોકડાઉનના લીધે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાઓ અને શિક્ષણ કાર્ય બંધ છે. બાળકો ઘરમાં રહી પોતાના શિક્ષકોએ પૂરૂ પાડેલુ લર્નિંગ મટીરીયલ દ્વારા અભ્યાસ કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ વિદ્યાર્થીઓ લોકડાઉનના સમયનો સદુપયોગ કરી ઘરે બેઠા જ અભ્યાસ કરી શકે તે માટે વિકલી લર્નિંગ મટીરીયલ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડી રહી છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે શિક્ષકો બાળકો સાથેની પોતાની આત્મીયતા અને ચિંતાને લઈને નિઃસ્વાર્થભાવે ગામેગામ વિવિધ સેવાઓ બજાવી રહ્યા છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ ઓલપાડ તાલુકાના કાછબ ગામે પ્રકાશમાં આવ્યું છે.

કાછબ ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી હેમલભાઈ પારેખ ગામમાં તથા સીમમાં સવારથી સાંજ ફરી પોતાની શાળામાં ભણતા બાળકો ઉપરાંત અન્ય ગ્રામજનોને કોરોના વાયરસ સામે લડવા માટે રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટેની હોમિયોપેથિક દવાનો ડોઝ આપવાની ઉત્તમ કામગીરી બજાવી રહ્યા છે.
શિક્ષક હ

મલભાઈ પારેખે પોતાની પ્રવૃત્તિ અંગે જણાવ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે, વિદ્યાર્થીઓ ઘરમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. આ સમયમાં કુમળા વિદ્યાર્થીઓનું આરોગ્ય જળવાઈ રહે તે ખુબ જરૂરી છે. કોરોના સામે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ ખૂબ મદદરૂપ થાય છે. જેથી મેં વિદ્યાર્થીઓની રોગ પ્રતિકારકશક્તિ વધારવા માટેની હોમિયોપેથિક દવાનો ડોઝ આપવાનું અભિયાન શરૂ કર્યું છે. જેમાં વાલીઓનો પણ પૂરતો સાથ સહકાર મળી રહ્યો છે.

ઓલપાડ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે હેમલભાઈના આ સેવાભાવી શિક્ષકની કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.