સુરતના છૂટક વેપારીઓ આ સ્થળોએથી કરી શકશે શાકભાજી ફળોનું સીધું વેચાણ

નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લાના ખેડૂતો આવતીકાલ તા.8-04-2020ના રોજથી પોતાના શાકભાજી, ફળફળાદિનું સૂરત શહેરના છૂટક વેપારીઓને સીધું વેચાણ નિયત કરાયેલા સ્થળોથી કરી શકશે.

આ માટે નીચે મુજબના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

ચોર્યાસી, બારડોલી, મહુવા અને પલસાણા તાલુકાના ખેડૂતો ભીમરાડ SMC પ્લોટ, દેવભૂમિ એપાર્ટમેન્ટની સામે, ભીમરાડ, સુરત તેમજ ભેસ્તાન SMC પ્લોટ, એન.એફ.આઇ. ગાર્ડનની સામે, ભેસ્તાન, સુરત ખાતે વેચાણ કરી શકશે.

જયારે ઓલપાડ તાલુકાના ખેડૂતો પાલનપોર ભેસાણ SMC પ્લોટ, પ્રેસ્ટીજ રેવાન્ટા પાસે, ગૌરવપથ, પાલનપોર, સુરત અને સિંગણપોર SMC પ્લોટ, જમુના પાર્ક સોસાયટી પાસે, નવનાથનો ખાડો, સિંગણપોર, સુરત ખાતે વેચાણ કરી શકશે. આ ઉપરાંત, કામરેજ, માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો મોટા વરાછા SMC પ્લોટ, ગોકુલધામ સોસાયટીની સામે, રામચોક નજીક, મોટા વરાછા, સુરત ખાતે પોતાના શાકભાજીનું વેચાણ કરી શકશે.

ઉપરોક્ત સ્થળોએ શાકભાજી વેચાણ માટે આવનાર ખેડૂતોએ સવારે ૧૧.૦૦ વાગ્યાથી સાંજના ૦૫.૦૦ વાગ્યા દરમિયાન જ પોતાના ખેતઉત્પાદન લાવવાના રહેશે. આ સમય દરમિયાન માર્કેટમાં પ્રવેશતાં કાછીયા, નાના વેપારી વગેરેને હાથલારી, છકડો, રિક્ષા, ટેમ્પો વગેરે જેવા વાહનોમાં જ માલ લઈ જવા દેવામાં આવશે. કોઈપણ છૂટક ઘરગથ્થુ શાકભાજી લેનાર એકલ દોકલ ગ્રાહકોને આ માર્કેટમાં પ્રવેશ કરી શકશે નહીં.

બજારના સ્થળે ખેડૂતો, હાથલારીવાળા, કાછીયા, નાના વેપારી તેમજ અન્ય વ્યક્તિઓએ હાલની કોરોના સંક્રમણની મહામારીને ધ્યાને લઈ મોં ઉપર સલામતી માટેનું માસ્ક ફરજીયાત પહેરી પ્રવેશ કરવાનો રહેશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે બે વ્યક્તિઓ વચ્ચે એક મીટરનું અંતર રાખવું ફરજિયાત છે.

આ તમામ સૂચનાઓ કે કોરોના વાયરસની સૂચિત ગાઈડલાઈનનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જેથી શાકભાજી અને ફળફલાદિનું વેચાણ કરવા ઇચ્છતાં સુરત જિલ્લાના તમામ ખેડૂતમિત્રો ઉપરોક્ત સ્થળોએ નિયત કરાયેલા સમયે ઉપસ્થિત રહી વેપારીઓને પોતાના માલનું વેચાણ કરી શકશે તેમ સૂરત જિલ્લા રજીસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.