ગુજરાતમાં કોરોનાના લોકલ ચેપનાં કેસોમાં સતત વધારો, નવા 19 કેસઃ કુલ 165

ગુજરાતમાં સતત પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ હવે લોકલ ટ્રાન્સમિશન ધરાવતા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ ૧૬પ પોઝિટિવ કેસ છે, જેમાંથી ૧૦૦ લોકલ ટ્રાન્સમિશન કેસ છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ૧૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૧૩, પાટણમાં ત્રણ, ભાવનગર, પાટણ અને સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા છે.

આજના કેસની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. ૧૦૦ જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ છે જ્યારે ૩૩ વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને ૩ર આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા ર૪ કલાકમાં ર૯૮ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં જેમાંથી ર૩૭ નેગેટીવ છે. ર૧ પોઝિટિવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૦૪૦ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૬પ પોઝિટિવ, ર૮૩પ નેગેટીવ અને ૪૦ કેસ પેન્ડિંગ છે.

રાજ્યમાં કુલ ૧૬પ પોઝિટિવ કેસ છે. જેમાંથી સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં ૭૭ પોઝિટિવ કેસ અને પ ના મોત, સુરતમાં ૧૯ કેસ અને ર ના મોત, ભાવનગરમાં ૧૪ કેસ અને ર ના મોત, ગાંધીનગરમાં ૧૩ કેસ, વડોદરામાં ૧ર કેસ અને ર ના મોત, રાજકોટમાં ૧૦ કેસ, પાટણમાં પ કેસ, પોરબંદરમાં ૩ કેસ, મહેસાણામાં બે કેસ, કચ્છમાં બે કેસ, ગીર સોમનાથમાં બે કેસ, પંચમહાલમાં એક કેસ અને એકમોત, સાબરકાંઠા, આણંદ, મોરબી, છોટાઉદેપુર અને જામનગરમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાંથી ૧૭ માં કોરોના વાઈરસે પોતાનો સંક્રમણનો પગપેસારો કરી દીધો છે. જો કે ગઈકાલ સાંજ પછી એક પણ મૃત્યુ નોંધાયું નથી. રાજકોટમાં એક કોરોના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આજના ૧૯ નવા કેસોની વાત કરીએ તો, તેમાંથી ૧૩ કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે પાટણમાં ત્રણ, ભાવનગર, આણંદ અને હિંમતનગરમાં એક-એક કેસ નોંધાયા છે. તમામ દર્દીઓમાંથી ૧ર૬ સ્વસ્થ, ૪ દર્દી વેન્ટિલેટર પર અને ર૩ દર્દી સાજા થયા છે.

પાટણમાં કોરોનાના કુલ ૩ નવા કેસ પોઝિટિવ સામે આવતા હાહાકાર મચી ગયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના ૩ યુવકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે ગામમાં હાલ ડરનો માહોલ બનેલો છે. એવું કહેવાઈ રહ્યું છે કે સિદ્ધપુરના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં હતાં. આ સાથે જ હવે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક કુલ પ પર પહોંચી ગયો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતાં.

સાબરકાંઠામાં એક કેસ પોઝિટિવ નોંધાતા હવે ગુજરાતની સ્થિતિ વધુ વણસી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા ૩૩ વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. એવું જાણવા મળી રહ્યું છે કે આ યુવક રાજસ્થાનનો હતો, પરંતુ તેને કઈ રીતે પોઝિટિવ આવ્યો તેની તપાસ શરૃ કરાઈ છે. આ યુવકના સંપર્કમાં રર લોકો આવ્યા છે. તે તમામને કોરીન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલો યુવક હિંમતનગર સિવિલ આઈઅસોલેશન વોર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યે હતો. જેથી હવે જિલ્લાની તમામ ટીમ હરકતમાં આવી ગઈ છે.

ભાવનગરમાં વધુ એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ મોકલવામાં ટોટલ ૩૦ રિપોર્ટ પૈકી ૧ પોઝિટિવ અને ર૯ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. પોઝિટિવ આવેલ મહિલા ભાવનગરના વડવા વિસ્તારની રહેવાસી છે. આ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૪ થયો છે. આણંદમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સફાઈકર્મીને ગળામાં દુઃખાવો હોવાથી ચેકઅપ કરાયું હતું.