દેશમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાને લઇને લોકડાઉનના સમયગાળાને વધારવાના અણસારને જોતા પ્રાઈવેટ ટ્રેનોમાં ફરી એકવાર બુકિંગ બંધ કરી દેવાયું છે. હવે આ ટ્રેનોમાં પહેલી મે, 2020થી બુકિંગ શરૂ કરાશે. દેશમાં પ્રાઈવેટ ટ્રેનનું સંચાલન કરવાની શરૂઆત કરનારી કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આગામી 15 એપ્રિલથી 30 એપ્રિલ સુધી પ્રાઈવેટ ટ્રેનનું સંચાલન બંધ કરી દેવાયું છે. તેથી, આ ટ્રેનોમાં બુકિંગ ફરીથી બંધ કરી દેવાયું છે. આ વિશે રેલવેને સૂચના મોકલવામાં આવે છે, જેથી તેમને પણ સરળતા રહે.
એક અધિકારીએ જણાવ્યું કે, લોકડાઉન બાદના સમયગાળા માટે જ્યારે ટ્રેનમાં બુકિંગ શરૂ કરવામાં આવ્યું તો ફેમસ ટ્રેનોમાં ખૂબ બુકિંગ થયું. પરંતુ પ્રાઈવેટ ટ્રેનમાં બુકિંગ ઓછું મળ્યું. એક દિવસમાં 150થી 200 પેસેન્જરોનું બુકિંગ મળી રહ્યું છે. આટલા પેસેન્જરોને લઈને ટ્રેનોને દોડાવવી મુશ્કેલ છે. તેથી, આ ટ્રેનોને એપ્રિલ મહિનાની શરૂઆત સુધી કેન્સલ કરી દેવાઈ છે.
પહેલી મેથી બુકિંગ શરૂ થશે અને પેસેન્જર ઈચ્છે તો બુકિંગ કરાવી શકશે. અધિકારીએ કહ્યું કે, જે પેસેન્જરોએ 15થી 30 એપ્રિલ 2020ની વચ્ચે યાત્રા માટે તેજસ એક્સપ્રેસમાં બુકિંગ કરાવ્યું હતું, તેને રિફંડ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે લોકડાઉનની જાહેરાત કર્યા બાદ રેલવેએ 21 દિવસ સુધી 13,523 ટ્રેનોની સેવા રદ્દ કરી દીધી હતી. આ કારણથી પ્રાઈવેટ ટ્રેનોનું સંચાલન પણ બંધ થયું છે.