શાહરૂખ ખાન બાદ અમિતાભ બચ્ચન પણ મદદ માટે આવ્યા આગળ, કરી આ જાહેરાત

કોરોના સાથેની લડાઈમાં બોલિવૂડના કલાકારો ભરપૂર સહયોગ આપી રહ્યા છે. શાહરુખ ખાને પોતાની ચાર માળની ઓફિસ ક્વોરન્ટીન માટે આપવાની જાહેરાત કર્યા પછી મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પણ વધારે ઉદાર થયા છે. આમ તો તેમણે ગયા સપ્તાહમાં વડા પ્રધાનના કોશમાં દાન કર્યું હતું અને તેની રકમ જાહેર નહોતી કરી. હવે તેમણે એક ડગલું આગળ વધીને રોજના દહાડી મજૂરો હોય તેમને મદદ કરવાનું નક્કી કર્યું છે.

ઓલ ઇન્ડિયા ફિલ્મ એમ્પ્લોયીઝ કોન્ફેડરેશન સાથે જોડાયેલા એક લાખ દહાડી મજૂરોની તેઓ મદદ કરશે. અત્યારની પરિસ્થિતિમાં આ બહુ મોટું પગલું છે. આ ઉપરાંત યશરાજ ફિલ્મ્સે પણ દહાડી મજૂરોની જવાબદારી ઉઠાવી છે, જેમના માટે તેમણે રૂપિયા 1.5 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ મજૂરોમાં લાઈટ્સમેન, કાર્પેન્ટર્સ, જુનિયર આર્ટિસ્ટ્સ, સ્પોટમેન વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત લોકપ્રિય સ્ટાર જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ વડા પ્રધાન કેર્સ ફંડમાં દાન કર્યું છે, પણ દાનની રકમ જાહેર નથી કરી. તેમણે કહ્યું હતું કે કેટલું દાન કર્યું તે મહત્ત્વ નથી રાખતું, પણ અત્યારે સહાય કરવી એ અગત્યનું છે. અત્યાર સુધીમાં અક્ષય કુમાર, સલમાન ખાન, શાહરુખ ખાન, એકતા કપૂર વગેરે મોટાં દાન કરી ચૂક્યાં છે.