સેવાભાવી સંસ્થાઓને લોકડાઉન દરમિયાન પડી રહેલી તકલીફ, વહીવટી તંત્રને કર્યા આવા સૂચનો

કોરોનાનાં કારણે સુરત સહિત અનેક શહેરોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે સંજોગોવસાત પોલીસ અને વહીવટી તંત્ર કેટલાક નિર્ણયો કરી રહ્યા છે. અમદાવાદ અને સુરત પોલીસે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તેમાં લોકોને રોજે રોજ ખાવાનું આપતી સંસ્થાઓ પણ અડફેટે આવી ગઈ છે. સાથો સાથ સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્તિના દાયરાને લીમીટેડ કરી દેતા સેવાભાવી સંસ્થાઓએ આ અંગે કેટલાક સૂચનો સાથે ફેરફાર કરવાનો અનુરોધ કર્યો છે.

પાસ વગર અવર જવર અટકાવતાં સેવાકીય સંસ્થાઓ મૂંઝવણમાં મૂકાઈ જવા પામી છે. કેટલીય સેવાકીય સંસ્થાઓ એવી છે જે સમગ્ર સુરતમાં કામ કરે છે. મતલબ કે જૂના સુરત એટલે કે કોટ વિસ્તારથી લઈ સુરત ગ્રામ્ય વિસ્તાર સુધી સેવા કરતી આવી છે.

સુરતમાં જુદા જુદા વિસ્તારમાં બિનવારસી ગાયોને ભોજનની વ્યવસ્થા કરતું વ્રજવલ્લભ જીવદયા ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઈ ધામેલીયા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમની સંસ્થા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ગાયોને ઘાસચારા સહિત ભોજન પહોંચાડવાનું કાર્ય કરે છે. હાલ લોકડાઉન દરમિયાન ઘાસચારાની વ્યવસ્થા કરવી અઘરી થઈ ગઈ છે અને એક ટેમ્પોમાં વધુ વ્યક્તિએ પણ સેવા માટે જઈ શકતા નથી.

લોકડાઉન હેલ્પ ગ્રુપ શરૂ કરનાર મસૂદ વોરાજીએ આ અંગે કેટલાક સૂચનો કર્યા છે.તેમણે જણાવ્યું કે નવા પાસ ઇશ્યુ થવાના બંધ થયા અને જેમને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે તેઓ કોઈક કારણોસર  બહાર ન નીકળી શકે તો સેવાકીય પ્રવૃત્તિમાં રૂકાવટ આવી જાય છે.

તેમણે કહ્યું કે આપણાં લોકોની હું રહી ન જાઉં, એવી છુપી બીકનાં લીધે શાકભાજી માર્કેટ જેવા દ્રશ્યો સર્જાતાં હોય છે. તો જો આપણે લોકોને તેઓ રહી ન જાય એવો ભરોસો અપાવી શકીએ તો આવી ઘટનાઓ અટકી શકે છે.

સર્વિંગ સ્માઈલના ફાઉન્ડર હિમાંશુભાઈએ કહ્યું કે ખરેખર સમાજ સેવા કરતા લોકો બંધ થશે તે બાબતને ટાળવાની જરૂર છે. શહેરમાં એટલી  બધી સામાજિક સંસ્થાઓ કાર્યરત છે. વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાઓ વચ્ચે સેતુ ઉભો કરવાની જરૂર છે. આ ઉપરાંત અગાઉ જેમને પાસ ઈશ્યુ થયા છે તેમને ક્રોસ ચેક કરી ફરી પરમિશન આપવી જોઈએ અથવા તો નહીં આપવી જોઈએ.

લોકડાઉન ગ્રુપ સાથે જોડાયેલા મિતેષ મણિયાર કહે છે કે સુરત મહાનગર પાલિકાએ જે તે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓના પાસ પર જરૂરી સિક્કા મારી તેની મર્યાદા નક્કી કરી દેવી જોઈએ જેથી તેમને કાર્ય કરવામાં તકલીફ ન પડે.

ખદીજા ટ્રસ્ટ સાથે સંકળાયેલા ફારૂકભાઈ જણાવે છે કે અમારી સંસ્થા સુરતના જુદા જુદા વિસ્તારો માટે કાર્ય કરે છે. ઉધના, ઉન, ભેસ્તાન,કોસાડ આવાસ સુધી સેવાકીય કામ ચાલે છે. અમારું સેન્ટર  સેન્ટ્રલઝોનમાં છે અને અમારે ત્યાં જુદા જુદા વિસ્તારમાંથી લોકો ફક્ત ખાલી વાસણ લઇને આવે છે અમે તેમને મેઈન સેન્ટર પરથી પકવેલું ભોજન ભરી આપીએ છે. હાલ લોકડાઉન થતાં તેઓ અમારા સુધી આવી શકતા નથી અને અમે પણ તેઓ સુધી મદદ પહોંચાડી શકતા નથી.