કોરોનાનાં અંધકાર પર પ્રકાશનો વિજય: PM મોદીની અપીલ પર દેશભરમાં દિવા-મીણબત્તી, ટોર્ચ અને મોબાઈલ ફલેશ લાઈટનો ઉજાસ પથરાયો

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશભરમાં આજે રાત્રે 9 વાગ્યે 9 મીનીટ માટે દીવો, મીણબત્તી, મોબાઇલ ફ્લેશ અને ટોર્ચ પ્રગટાવીને એકજૂટતા બતાવવામાં આવી છે. પીએમ મોદીએ શુક્રવારે આ અપીલ કોરોના સામે લડનારા લડવૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે દેશભરના લોકો રવિવારે રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટ ઓલવીને તેમના ઓરડા અથવા બાલ્કનીમાં આવે અને દીવો, મીણબત્તી, મોબાઇલ  ફ્લેશલાઇટ કે ટોર્ચની લાઈટ પ્રગટાવીને કોરોના સામેના યુદ્ધમાં તેમની એકતા પ્રદર્શિત કરે.

દેશભરમાં અનેક લોકોએ પીએમ મોદીની અપીલ પર કોરોનાનાં અંધકાર પર પ્રકાશ પર્વની ઉજવણી કરી હતી. અનેક હસ્તીઓ ઉપરાંત રાજકીય નેતાઓએ પણ પોત-પોતાની રીતે લાઈટ પ્રજવલ્લિત કરી હતી. વિપક્ષનાં નેતાઓ પણ આમાં જોડાયા હતા. સમગ્ર દેશે નાત-જાત, ધર્મને નેવે મૂકીને કોરોનાની લડાઈમાં જબરદસ્ત એક્તાના દર્શન કરાવ્યા છે.