ગુજરાતમાં કોરોના પોઝિટિવમાં લોકલ ટ્રાન્સમિશનનાં કેસમાં ઉછાળો, છેલ્લા બે દિવસમાં જ 27 પોઝિટિવ કેસ

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 11ના મોત નીપજ્યાં છે.

તેમણે જણાવ્યું કે છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબ્લીગી જમાતની મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત 8 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસમાંથી 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.

તેમણે કહ્યું કે જિલ્લાવાર વિગત જાણીએ તો અમદાવાદમાં 53 પોઝિટિવ કેસ અને 5ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ, સુરતમાં 15 પોઝિટિવ કેસ અને 2ના મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, ભાવનગરમાં 11 પોઝિટિવ કેસ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ કેસ અને 1નું મોત, પોરબંદરમાં 3 અને ગીરસોમનાથમાં 2 પોઝિટિવ કેસ જ્યારે કચ્છ, મહેસાણા, પંચમહાલ,પાટણ અને છોટા ઉદેપુરમાં માં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ 122 કેસમાંથી 33 વિદેશથી આવેલા, 17 આંતરરાજ્ય અને 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે.

તેમણે કહ્યું કે દિલ્હીની તબ્લીગી જમાતની મરકઝમાં ગુજરાતથી ગયેલા વઘુ સાત લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ગઇકાલ સુધી 103 લોકોની ઓળખ કરવામાં આવી હતી. જેમાં એકનું મૃત્યુ થયું છે જ્યારે એકનો કોરોનો પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. સાત નવા લોકો સાથે તબ્લીગી જમાતની મરકઝમાં ગયેલા કુલ 110 લોકોની ઓળખ થઇ છે.

નવા સાત લોકો નવસારીના હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે લોકડાઉન બાદ નિજામુદ્દીન તબ્લીગી જમાતથી ગુજરાત પરત ફરેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા 10 લોકો વિરુદ્ધ ચાર ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં બોટાદમાં 2 અને નવસારી-ભાવનગરમાં 1-1 ગુના દાખલ કરવામાં આવ્યા છે