ગુજરાતમાં એક પણ બાળક, કિશોરી અને માતા કુપોષિત ન રહે તે હેતુથી જન આંદોલન શરૂ કરાયું

‘રાજ્યનું એક પણ બાળક, કિશોરી અને માતા કુપોષિત ન રહે તે હેતુથી જન આંદોલન શરૂ કર્યું છે, ત્યારે સમાજસેવાના ભેખધારી નાગરિકો રાજ્યમાંથી કુપોષણને નાબૂદ સંકલ્પબદ્ધ બન્યા છે. ‘એકલા હાથે તાળી ન પડે’ એ ન્યાયે સરકાર અને સમાજ સાથે મળીને ભૂલકાઓને સુપોષિત બનાવવા આગળ આવ્યા છે’, એમ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા મથકે અને દેલાડ ગામે આયોજિત “ગુજરાત પોષણ અભિયાન’ કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું.

કુપોષણમુક્ત ગુજરાતના નિર્માણ માટેના રાજ્યવ્યાપી ત્રિદિવસીય ‘ગુજરાત પોષણ અભિયાન-2020-22’ના દ્રિતીય દિવસે સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ અને દેલાડ બેઠકના પોષણ અભિયાન કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાના 325 કુપોષિત બાળકોના પાલક વાલી બની કુપોષિત બાળકોની જવાબદારી સંભાળનાર જાગૃત્ત સમાજસેવકોને એમના પ્રેરણાદાયી કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે કૃષિમંત્રી આરસી ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૩ જાન્યુઆરીના રોજ દાહોદથી પોષણ અભિયાન શરૂ કરીને રાજ્યનું એક પણ બાળક, કિશોરી અને માતા કુપોષિત ન રહે તેવી હાંકલ કરી છે. જેના પ્રતિસાદરૂપે રાજ્યના ભામાશાવૃત્તિ ધરાવતાં અલગારી સમાજસેવકોએ પોષણયુક્ત સમાજની રચના માટે મુખ્યમંત્રીના સૂરમાં સૂર પુરાવ્યો છે.

આ પ્રસંગે આંગણવાડીની મહિલાઓ દ્વારા ‘કુપોષણમુક્ત ગુજરાત’ની થીમ પર રસપ્રદ ‘પોષણ અદાલત’ નાટક ભજવ્યું હતું. ઉપસ્થિત સૌએ ‘સહી પોષણ-દેશ રોશન’ વિષયક ‘બીજુ પિયર ઘર’ ડોકયુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. નાના ભુલકાઓને અન્નપ્રાશન પણ કરાવાયું હતું.

આ વેળાએ પાલક વાલી, તંદુરસ્ત બાળક, સ્વસ્થ કિશોરીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. કૃષિ મંત્રી અને મહાનુભાવોએ ઓલપાડ આંગણવાડી-નંદઘરની મુલાકાત લઇ બાળકોને પોષક આહાર પીરસ્યો હતો.