ઈકોનોમિક સરવે 2020નાં આંકડામાં પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમીના મોદી સરકારના ડ્રીમને મોટો આંચકો

મોદી સરકારે 2024 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે જીડીપી વૃદ્ધિ દર વાર્ષિક આઠ ટકા હોવો જોઈએ. પરંતુ આ લક્ષ્યાંક જાળવવાના પ્રથમ વર્ષમાં આર્થિક સરવેએ તેને એક આંચકો આપ્યો છે. આ વર્ષે જીડીપી ગ્રોથ પાંચ ટકાની આસપાસ રહેવાની ધારણા છે, આવતા વર્ષે પણ ખુદ મોદી સરકાર માને છે કે જીડીપી ગ્રોથ રેટ 6 થી 6.5 ટકાની વચ્ચે રહેશે.

હકીકતમાં સરકારે સંસદમાં વર્ષ 2019-2020 માટેનો આર્થિક સરવે રજૂ કર્યો છે. આ સરવે રિપોર્ટમાં દેશની અર્થવ્યવસ્થા વિશે અનેક મહત્વપૂર્ણ આંકડા રજૂ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી વૃદ્ધિ દર 6થી6.5 ટકાની વચ્ચે રહેશે. એટલે કે પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થા માટે નિર્ધારિત જીડીપી લક્ષ્યાંક વૃદ્ધિનો દર દોઢથી બે ટકા ઓછો દર્શાવવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ 2020-21માં જો જીડીપી વૃદ્ધિ દર 6થી 6.5 ટકા રહેશે તો આગામી ત્રણ વર્ષમાં જીડીપી ગ્રોથને આઠ ટકાથી ઉપર પહોંચવાડવાનો અંદાજ છે. કારણ કે સરકારે 2024 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આવી સ્થિતિમાં બજેટ 2020 પહેલાના આર્થિક સરવેના ડેટાએ જીડીપી વૃદ્ધિના મોરચે સરકારને આંચકો આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે મોદી સરકાર ફરીથી સત્તા પર આવી ત્યારે તેણે જુલાઈ 2019ના બજેટ પહેલા આર્થિક સરવે દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન બનાવવાની જાહેરાત કરી હતી. તે સમયે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 2024 સુધીમાં આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછો આઠ ટકા જીડીપી વૃદ્ધિ દરની જરૂર પડશે. પરંતુ સરકારે ચાલુ નાણાકીય વર્ષ (2019- 20)માં જીડીપી વૃદ્ધિદરમાં પાંચ ટકા વૃદ્ધિદરનો અંદાજ મૂક્યો છે અને ત્યાર પછી હવે 2020-2021 માટે 6 થી 6.5 ટકા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.