લોકસભામાં ઈકોનોમિક સરવે રજૂ, 2020-21માં 6.5 ટકા GDPનું અનુમાન, જાણો મહત્વની વિગતો

2020-21નું ઈકોનોમિક સરવે લોકસભામાં રજૂ કરી દેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં દેશની અર્થ વ્યવસ્થાને લઈ મહત્વના આંકડા આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવાયું થે કે નાણાકરીય વર્ષ 2020-21માં GDP ગ્રોથ રેટ 6થી 6.5 ટકા રહેશે.

સરકારનો GDP વૃદ્ધિ દરનો અંદાજ વર્તમાન નાણાકીય વર્ષ કરતા 0.5 થી 1 ટકા વધારે છે. તમને જણાવી દઈએ કે સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિનો અંદાજ પાંચ ટકા રાખ્યો છે.આર્થિક સરવે મુજબ નાણાકીય વૃદ્ધિદર પાંચ ટકા હોવાનો અંદાજ છે.

ક્રુડના ભાવમાં રાહતથી ખાતાની ખાધ ઘટી રહી છે. 2019-20 ના પહેલા છ મહિના દરમિયાન આયાતમાં ઘટાડો થયો છે, જે નિકાસમાં થયેલા ઘટાડા કરતા વધારે છે.

ગાવોનો દર એપ્રિલ 2019માં 3.2 ટકાથી ઘટીને ડિસેમ્બર 2019માં 2.6 ટકા થયો છે. આર્થિક સરવેમાં જણાવાયું છે કે 2019-20ના દ્વિતીય છ મહિનામાં આર્થિક વિકાસની ગતિમાં 10 ક્ષેત્રોનો મોટો ફાળો છે.

સરવે રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2020-2025 વચ્ચે સરકાર ઇન્ફ્રા સેક્ટરમાં 102 લાખ કરોડનું રોકાણ કરશે.

સરવેમાં સૂચવવામાં આવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં માળખાગત સુવિધાઓ માટે1.4 ટ્રિલિયન ડોલર અથવા 100 લાખ કરોડના રોકાણની જરૂર છે જેથી તે અર્થવ્યવસ્થાના વિકાસમાં અડચણ ન બને.

ફુગાવાના દરમાં 2014થી સતત ઘટાડો થઈ રહ્યો છે, અને 2014-19 દરમિયાન મોટા ભાગની આવશ્યક ખાદ્ય ચીજોની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર ભારતની વિશાળ અર્થવ્યવસ્થાના વિકાસ માટે કાર્યક્ષમ બેંકિંગ ક્ષેત્રની જરૂર છે.

આર્થિક સર્વેના અહેવાલ મુજબ ભારતને પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવા માટે વેપારને અનુકૂળ નીતિને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. આ સાથે ‘ભારત માટે એસેમ્બલ ઇન ઈન્ડીયા ફોર ધ વર્લ્ડ’ ને ‘મેક ઇન ઇન્ડિયા’ સાથે જોડવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે ભારતના નિકાસ બજારનો હિસ્સો 2025 સુધીમાં લગભગ 3.5 ટકા અને 2030 સુધીમાં 6 ટકાનો વધારો થઈ શકે છે.