આવતીકાલથી બેન્ક હડતાળ, ત્રણ દિવસ સુધી બેન્કીંગ વ્યવહારો રહેશે બંધ

આવતીકાલ શુક્રવાર અને શનિવાર બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે અને રવિવારે જાહેર રજા છે. આમ સતત ત્રણ દિવસ બેન્કીંગ સેવા બંધ રહેશે આથી કરોડો રૃપિયાનું ક્લિયરીંગ અટકી પડશે. તમામ રાષ્ટ્રીયકૃત બેંકો આ હડતાલમાં જોડાનાર બેંક કર્મચારીઓને દર પાંચ વર્ષ પગાર વધારો મળે છે.

આ મુદ્દત વર્ષ 2017નાં નવેમ્બર માસમાં પૂરી થઈ ગઈ છે. આ પછી ઈન્ડિયન બેંક એસો. સાથે પગાર અન્વયે 42 વખત વાટાઘાટો થઈ હતી. પરંતુ લગભગ 27 માસમાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આથી બેંક કામદારોને હડતાલનો માર્ગ અપનાવવો પડયો છે.

આ સરકાર હડતાલ સિવાય કાંઈ જ સાંભળતી નથી. અગાઉ હોબાળો, ધરણાં, કર્યા પરંતુ તેને ધ્યાને લેવામાં આવ્યા નથી. આથી આગામી શુક્રવાર અને શનિવાર એમ બે દિવસની બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.

આવતીકાલથી દેશનાં લગભગ દસ લાખ કર્મચારીઓ હડતાલમાં જોડાશે. આ રાષ્ટ્ર વ્યાપી બેંક હડતાલમાં પટાવાળા, કારકુન, અધિકારી વર્ગનાં કર્મચારીઓ જોડાશે. આ પછી તા. 11,12 અને 13 માર્ચનાં બેંક હડતાલ પાડવામાં આવનાર છે અને જો સમજુતિ નહીં થાય તો એપ્રિલથી અચોક્કસ મુદ્દતની હડતાલ શરૃ કરવામાં આવશે.