સુરત રેપ કેસ: બળાત્કારી અનિલ યાદવને 29મી ફેબ્રુઆરીએ અપાશે ફાંસી, ડેથ વોરંટ ઈશ્યુ

સુરતના ગોડાદરા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવાના મામલે ફાંસી પામેલા અનિલ યાદવ નામની દોષિતને 29મી ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે. સુરત કોર્ટે આજે અનિલ યાદવનું ડેથ વોરંટ ઈશ્યુ કરી દીધો છે.

2018માં અનિલ યાદવે ગોડાદરામાં બાળકીને હવસનો શિકાર બનાવી હતી. સુરત કોર્ટે અનિલને આ કેસમાં દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી છે. ફાંસની સજા માટે ડેથ વોરંટ ઈશ્યુ કરવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાંસીની સજા પર સ્ટે મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અનિલ યાદવાના વકીલોએ અરજી કર હતી પરંતુ હાઈકોર્ટે સજા રોકવાની અરજીને ફગાવી દીધી હતી અને ફાંસીની સજા યથાવત રાખી હતી.

સુરતના એડિશનલ સેશન્સ જજ દ્વારા ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યો છે. બળાત્કાર ઉપરાંત પોક્સો કાયદા હેઠળ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. 29મી તારીખે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ફાંસી આપવામાં આવશે.

હાલ આરોપી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં છે. ફાંસી પહેલા તેને સાબરમતી જેલમાં ખસેડવામાં આવશે. પોક્સો હેઠળ ગુજરાતમાં પહેલી વખત ફાંસી આપવામાં આવશે. અનિલ યાદવ પાસે ફાંસીથી બચવાના બહુ ઓછા વિકલ્પો છે. સુપ્રી કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવા જેવા વિકલ્પો દોષિત અનિલ યાદવ પાસે રહ્યા છે.

મહત્વની વાત એ છે કે બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ અનિલ યાદવ સુરતમાંથી ભાગી ગયો હતો પરંતુ સુરત પોલીસે સતર્કતા રાખીને બિહારમાંથી તેની ધરપકડ કરી હતી. અનિલ યાદવ વિરુદ્વ મજબૂત પુરાવા અને સરકારી વકીલ નયન સુખડવાળાની દલીલોની સામે બચાવ પક્ષની દલીલો ટકી શકી ન હતી અને કોર્ટે નરાધમ અનિલને ફાંસીની સજા સંભળાવી હતી.