લંડનની યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો

બ્રિટનના હાયર એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ એજેન્સી (એચઈએસએ) દ્વારા બુધવારે જારી કરાયેલા નવા આંકડાઓ મુજબ વર્ષ 2018-19માં લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 34.7 ટકા વધી હતી અને વર્ષ 2011-12થી અત્યાર સુધીમાં સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ લંડન ગયા હતા. રેકોર્ડ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ લંડન યુનિવર્સિટીઓને પસંદ કરી રહ્યા છે તેના પગલે બ્રિટનના પાટનગરમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાની યાદીમાં ભારત ત્રીજા ક્રમે પહોંચ્યું છે.

આ યાદીમાં પ્રથમ સ્થાને ચીન અને ત્યારબાદ અમેરિકા છે. ભારતે ઈટાલીને પાછળ મૂકીને આ ત્રીજો ક્રમ મેળવ્યો છે. પાંચમા સ્થાને ફ્રાન્સન છે. ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો યુરોપિયન યુનિયન (ઈયુ)ની બહારના દેશોના વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાતરીપૂર્વકનો વધારો દર્શાવે છે જ્યારે શુક્રવારે બ્રિટન બ્રેક્ઝિટ કરી ઈયુથી છુટું પડવાનું છે. ‘ભારત 3 વર્ષો સુધી ચોથા ક્રમ પર રહ્યા બાદ લંડન માટે ત્રીજા ક્રમનું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું બજાર બન્યું હતું જે ભારત માટે એક પ્રભાવશાળી વિકાસનો સમય છે, એમ લંડનના મેયરના પ્રવક્તાએ જણાવ્યું હતું.

તેમણે નોંધ લીધી હતી કે ‘યુકે સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ બાદ વધુ બે વર્ષના વિઝાની યોજના ફરીથી લાવી હતી જેનાથી પ્રોત્સાહિત થઈને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજનાથી તેમને અભ્યાસ બાદ નોકરી શોધવા માટે વધુ સમય મળશે.’ આંકડાઓ મુજબ વર્ષ 2018-19માં લંડનની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 5.8 ટકા વધીને 1,25,035 થઈ હતી. લંડનમાં ચીનના કુલ 25,650 વિદ્યાર્થીઓ હતા જ્યારે અમેરિકાના 7460 ત્યારબાદ ભારતના 7158 વિદ્યાર્થીઓ હતા.