ઓસ્ટ્રેલિયન ઓપન : એશ્લે બાર્ટી અને સિમોના હાલેપને અપસેટ કરી સોફિયા કેનિન અને ગર્બાઇન મગુરૂઝા ફાઇનલમાં

વર્ષની પહેલી ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં નંબર વન એશ્લે બાર્ટી અને ચોથી ક્રમાંકિત સિમોના હાલેપ સેમી ફાઇનલમાં અપસેટનો શિકાર બન્યા છે. અશ્લે બાર્ટીને સોફિયા કેનિને હરાવીને જ્યારે બિન ક્રમાંકિત ગર્બાઇન મુગુરૂઝા બંને સેટમાં પાછળ હોવા છતાં મેચમાં વાપસી કરીને સિમોના હાલેપને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્પેનની બે વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન મુગુરૂઝાએ રોડ લેવર એરેનામાં હાલેપને 7-6, 7-5થી હરાવીને પહેલીવાર મેલબોર્ન ઓપનની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

ગત સિઝનમાં ખરાબ ફોર્મ સામે ઝઝુમીને 26 વર્ષની મુગુરુઝા 2020માં બેલ્જિયમની જસ્ટિન હેનિન પછી મહિલા સિંગલ્સની ફાઇનલમાં સ્થાન મેળવનારી પહેલી બિન ક્રમાંકિત ખેલાડી બની છે. એખ સમયની વર્લ્ડ નંબર વન અને હાલની 32મી ક્રમાંકિત મુગુરૂઝાએ કહ્યું હતું કે ફાઇનલમાં સ્થાન મેળવીને રોમાંચિત છું અને શનિવારે મારે વધુ એક મેચ રમવાની છે. બીજી તરફ બાર્ટી 1978 પછી ઓસ્ટ્રેલિયા ઓપનમાં પહેલી ઓસ્ટ્રેલિયન વિનર બને તેવી આશા હતી પણ દરેક સેટમાં બે સેટ પોઇન્ટ બચાવીને 14મી ક્રમાંકિત કેનિને તેને 7-6, 7-5થાી હરાવી હતી.