બરફ વર્ષા વચ્ચે વરરાજા જાનૈયા સાથે 4 કિલોમીટર પગપાળા ચાલીને લગ્ન કરવા પહોંચ્યો

ઉત્તરાખંડમાં બુધવારે થયેલી ભારે બરફવર્ષાને કારણે સ્થાનિક રહીશો માટે ઘણી સમસ્યાઓ સર્જાઇ છે. વસંત પંચમીને કારણે ચમોલાીમાં ઘણા લગ્ન હતા. જો કે બરફવર્ષા ન રોકાઇ ત્યારે એક વરરાજા તો પોતાના જાનૈયાઓ સાથે 4 કિલોમીટર સુધી પગપાળા ચાલીને લગ્નના માંડવે પહોંચ્યો હતો.

ઉત્તરાખંડના ચમોલી વિસ્તારના ઘાટ વિકાસ ખંડના આંતરિયાળ વિસ્તારમાં બરફવર્ષા વચ્ચે લગ્ન સમારોહ સંપન્ન થયો હતો. બરફવર્ષાને કારણે ગ્રામજનોની સમસ્યા વધી ગઇ હતી. જો કે ગ્રામ્ય વિસ્તારની વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ પોતાની સમસ્યાને ભુલીને ઉત્સાહપૂર્વક લગ્ન અને ધાર્મિક સમારોહનું આયોજન કરી રહ્યાં છે.

ચમોલી જિલ્લામાં બે દિવસો સુધી થયેલા વરસાદ અને બરફવર્ષાને કારણે તમામ સ્થળે બરફની ચાદર છવાયેલી રહી હતી. બદરીનાથ ધામ, હેમકુંડ સાહિબની સાથે જ ફુલોની ખીણ, રુદ્રનાથ, નંદા ઘુંઘટી, લાલ માટી, ઇરાણી, પાણા, ઝીંઝીની સાથે જ નીતી અને માણા ઘાટી બરફથી ભરાયા છે.

બદરીનાથ ધામમાં લગભગ 10 ફૂટ અને હેમકુંડ સાહિબમાં 13 ફૂટ સુધીનો બરફ છવાયેલો છે. 140 ગામમાં બરફ છવાયેલો છે. સામાન્ય રસ્તાઓ, પાણીના સ્ત્રોત અને ખેતરોમાં પણ બરફ છવાયેલો રહ્યો છે. વરસાદ અને બરફવર્ષા અટકયા પછી આકરી ઠંડીથી લોકોને છૂટકારો નથી મળી રહ્યો.