જામીયા ફાયરીંગ: અમિત શાહ બોલ્યા, આવી ઘટનાઓને જરા પણ સાંખી નહીં લેવાશે, થશે કડક કાર્યવાહી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના જામિયામાં ફાયરીંગ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આવી કોઈ પણ ઘટના સહન કરશે નહીં. અમિત શાહે ગુરુવારે ટવિટ કર્યું હતું કે આજે મેં દિલ્હીમાં ગોળીબારની ઘટના અંગે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને તેમને આકરી કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર આવી કોઈ પણ ઘટનાને જરા પણ સાંખી લેશે નહીં. આ અંગે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે અને ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.

CAA અને NRCનો વિરોધ કરવા માટે ગુરુવારે દિલ્હીની જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધીની કૂચ દરમિયાન ગોપાલ નામના યુવાને ફાયરીંગ કર્યું હતું જેમાં એક વિદ્યાર્થીને હાથમાં ઈજા પહોંચી હતી. હુમલો કરનાર સગીર હોવાનું જણાવાય છે. જ્યારે ઘાયલ વિદ્યાર્થીની ઓળખ શાદાબ તરીકે થઈ છે. તે જામિયા મીલીયા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે. આ ઘટના ગુરુવારે બપોરેની છે.

બીજી તરફ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ દિલ્હીના જામિયામાં ગોળીબારને લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ટવિટ કરી જણાવ્યું કે જ્યારે ભાજપ સરકારના પ્રધાનો અને નેતાઓ લોકોને ગોળી મારવા, ઉશ્કેરણીજનક ભાષણ આપશે, ત્યારે આ બધું શક્ય છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઇએ કે તેઓ કેવા પ્રકારની દિલ્હી બનાવવા માંગે છે. શું તેઓ હિંસા સાથે છે કે અહિંસા સાથે ઉભા છે? શું તેઓ વિકાસ સાથે છે અથવા અરાજકતાની સાથે ઉભા છે?

બીજી તરફ આ ઘટનાને કારણે દિલ્હી પોલીસે તાત્કાલિક મધ્ય દિલ્હીમાં આવેલી જામા મસ્જિદ પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. કારણ કે આ કૂચ જામા મસ્જિદ જ પહોંચવાની હતી. જામા મસ્જિથી મોરચો એકત્રીત થઈને રાજઘાટ તરફ જવાનો હતો. જોકે, પોલીસે રાજઘાટ તરફ કૂચ કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.