ટી-20માં કેપ્ટન તરીકે સર્વાધિક રન : કોહલીએ કર્યો ધોનીને ઓવરટેક

બુધવારે ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ટી-20માં સર્વાધિક રન કરવા મામલે માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને સ્રવાધિક રન કરનારો ભારતીય કેપ્ટન બન્યો હતો. કોહલીએ આ મેચમાં 26 રન બનાવ્યા તેની સાથે જ તેણે ધોનીને કેપ્ટન તરીકે રન કરવા મામલે પાછળ મુક્યો હતો.

ભારતીય ઇનિંગની 16મી ઓવરના છેલ્લા બોલે કોહલીએ સિંગલ લીધો તેની સાથે તે આગળ નીકળ્યો હતો. આ મેચ પહેલા કેપ્ટન તરીકે ટી-20માં રન કરવા મામલે કોહલી ચોથા ક્રમે હતો જ્યારે હવે તે ધોનીને ઓવરટેક કરીને 1126 રન સાથે ત્રીજા ક્રમે પહોંચ્યો હતો. ધોની હવે 1112 રન સાથે ચોથા ક્રમે ગયો છે. ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન આજની મેચ સાથે 1243 રન સાથે બીજા અને દક્ષિણ આફ્રિકન કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 1273 રન સાથે પહેલા ક્રમે છે.