શાહરૂખ ખાનની પિતરાઈ બહેનનું નિધન, આ બિમારી બની મોતનું કારણ

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાનું પાકિસ્તાનના પેશાવરમાં અવસાન થયું છે. પાકિસ્તાની મીડિયાએ પરિવારને ટાંકીને આ માહિતી આપી હતી. નૂરજહાંના નાના ભાઈ મંસુર અહેમદે જિઓ ન્યૂઝને પોતાની બહેનનાં અવસાન અંગે પૃષ્ટિ આપી હતી અને કહ્યું કે કેટલાક સમયથી નૂરજહાં કેન્સરગ્રસ્ત હતી.

નૂરજહાં પેશાવરના કિસ્સા ખ્વાની બજાર પાસે આવેલા મહોલ્લા શાહ વલી કતાલમાં રહેતા હતા. પેશાવરની નગરપાલિકાના કોર્પોરેટર મીયાં ઝુલ્ફીકારએ પણ તેમના નિધનની પૃષ્ટિ કરી હતી. તેમની ઉંમર અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. નૂરજહાં પોતે પણ જિલ્લા અને નગરના કોર્પોરેટર રહી ચૂક્યા હતા.

2018ની ચૂંટણીમાં નૂરજહાંએ ઉમેદવારી નોંધાવી હતી, પણ પાછળથી ઉમેદવારી પરત ખેંચી હતી. રિપોર્ટ મુજબ નૂરજહાં બે વખત શાહરૂખ ખાનનાં ઘરે આવ્યા હતા. આ ઉપરાંત તેઓ પોતાના સગાઓ સાથે પણ સંપર્કમાં રહેતા હતા. બાળપણમાં શાહરૂખ ખાન પણ બે વાર પેશાવર જઈને રહ્યો હતો.