જેડીયુ પ્રશાંત કિશોર સામે આક્રમક : અજય આલોકે પીકેને કોરોના વાયરસ ગણાવ્યા

જનતાદળ (યુ)ના નેતા અજય આલોકે પ્રશાંત કિશોર પર હલ્લાબોલ કરીને તેમને કોરોના વાયરસ ગણાવ્યા છે. એટલું કહીને જ અજય આલોક અટક્યા નહોતા, પણ સાથે જ તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે પ્રશાંત કિશોર સત્તાના કોર્પોરેટ દલાલ છે. આવા નિર્લજ્જ નેતાને નીતિશ કુમારે ઇજ્જત આપી. તેમના જેવા નેતાને પક્ષ કોઇ પ્રાધાન્ય આપવા માગતો નથી. આટલું કહીને અજય આલોકે પીકેને પાર્ટીમાંથી કાઢવાની માગ પણ કરી હતી,

આ પહેલા અજય આલોક મંગળવારે પણ ટિ્વટ કરીને પ્રશાંત કિશોરને નિશાન બનાવ્યા હતા. તેમણે પોતાના ટિ્વટમાં લખ્યું હતું કે અરે નીતિશ કુમારને પડતા જોવાનું સપનુ જોતા જોતા લાલુ જી હોટવાર જેલમાં પહોંચી ગયા ભાઇ, તમે ક્યાં જશો? રાજકીય વિશ્વસનીયતા ક્યાં છે તમારી? કોંગ્રેસ, AAP, SS, TMC,DMK? કોઇ તો જણાવો? નીતિશ જીને ઘણું કામ છે ભાઇ, તમારી સાથે રંગ મેળવવા સિવાય. આમ પણ પોતાનું કદ જોઇને બોલવું જોઇએ.

નીતિશ કુમારે પણ સીધુ કહી દીધું : કોઇ પાર્ટી છોડીને જવા માગતું હોય તો જઇ શકે

આ પહેલા પક્ષના ઉપાધ્યક્ષ અને ચૂંટણી વ્યુહકાર પ્રશાંત કિશોરે કરેલા એક ટિ્વટ મામલે મુખ્ચમંત્રી નીતિશ કુમારના સખત વલણથી બિહારમાં રાજકીય વાતાવરણ ગરમ બન્યું હતું. પટણામાં મંગળવારે સીએમ આવાસ પર પક્ષની બેઠકમાં જ્યાં પીકે અને પવન શર્માનો મુદ્દો જોરશોરથી ચાલ્યો હતો, તે સમયે ખુદ નીતિશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં પીકેને સખત મેસેજ આપતા કહી દીધું હતું કે જો કોઇ પાર્ટી છોડીને જવા માગતું હોય તો જાય પણ ટિ્વટ કરવાથી કંઇ થવાનું નથી આ મામલે પીકેએ એવો જવાબ આપ્યો હતો કે સમય આવ્યે નીતિશ કુમારને તેનો જવાબ અપાશે.