ન્યુઝીલેન્ડમાં ભારત બુધવારે જીતશે તો ઇતિહાસ રચશે

ન્યુઝીલેન્ડના પ્રવાસમાં અત્યાર સુધી રમતના દરેક પાસામાં શ્રેષ્ઠતમ પ્રદર્શન કરનાર ભારતીય ટીમ આવતીકાલે બુધવારે જ્યારે હેમિલ્ટનમાં ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડમાં પહેલી ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝ જીતવાનો ઉદ્દેશથી મેદાન પર ઉતરશે. ભારત ઓકલેન્ડમાં પહેલી બે ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં ક્રમશ: 6 અને 7 વિકેટથી વિજય મેળવ્યો હતો અને પાંચ મેચની સીરિઝમાં 2-0થી આગળ છે.

અહીંના સેડન પાર્કમાં રમાનારી મેચમાં સતત ત્રીજો વિજય મેળવીને ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની ધરતી પર પહેલીવાર ટી-20 સીરિઝ જીતવામાં સફળ રહેશે. આ પહેલાના બે પ્રવાસમાં ભારતીય ટીમ એ સિદ્ધિ મેળવી શકી નહોતી. 2008-09માં ધોનીની આગેવાનીમાં 0-2થી જ્યારે ગત વર્ષે 1-2થી સીરિઝ ભારત હાર્યું હતું. હાલની ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે અને 2019ના વર્લ્ડકપ પછી તેણે જે 5 ટી-20 સીરિઝ રમી છે, તેમાંથી એકમાત્ર દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ 1-1થી ડ્રો રહી હતી.

હાલના પ્રદર્શનને ધ્યાને લેતા ભારતીય ટીમમાં કોઇ મોટા ફેરફારની સંભાવના નથી. ઓકલેન્ડના નાના ગ્રાઉન્ડ પરથી હવે મેચ હેમિલ્ટનના મોટા ગ્રાઉન્ડ પર રમાશે, ત્યારે જોવાનું એ રહે છે કે ટીમમાં કુલદીપની વાપસી થશે કે કેમ. કુલદીપને નાના મેદાનને કારણે પહેલી બે મેચમાં રમાડાયો નહોતો અને તેના સ્થાને ચહલે સારી બોલિંગ કરી હોવાથી કુલદીપની વાપસી હાલ તો દેખાતી નથી. આ બંનેને સાથે રમાડવાની સંભાવના ઓછી છે. ન્યુઝીલેન્ડ માટે મુખ્ય ચિંતા જસપ્રીત બુમરાહનો સામનો વધુ સારી રીતે કરવાની છે. ન્યુઝીલેન્ડનો આ મેદાન પર રેકોર્ડ સારો છે તેથી તે અહીં ભારતને અજેય સરસાઇ લેતા અટકાવવાનો પ્રયાસ કરશે.