ત્રીજી ટી-20 મેચ રોમાંચક ટાઇ પછી સુપર ઓવરમાં ભારત જીત્યું, રોહિત શર્માના બે છગ્ગા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં રમાયેલી ત્રીજી ટી-20 અંતિમ ઓવરમાં રોમાંચક ટાઇમાં પરિણમી હતી અને હવે આ મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરવામાં આવશે. મેચમાં અંતિમ ઓવરમાં ન્યુઝીલેન્ડને જીતવા માટે 9 રન જોઇતા હતા અનેં પહેલા બોલે જ રોસ ટેલરે છગ્ગો ફટકાર્યો અને તે પછીના બોલે તેણે એક રન લીધો, જો કે ત્રીજા બોલે કેન વિલિયમ્સન આઉઠ થયો હતો અને તે પછીનો બોલ ખાલી રહ્યો હતો. તે પછીના બોલે એક બાયનો રન આવ્યો હતો અને સ્કોર ટાઇ થયો હતો અને છેલ્લા બોલે મહંમદ શમીએ રોસ ટેલરને બોલ્ડ કરતાં આ મેચ ટાઇ થઇ હતી અને તે પછી ભારતીય ટીમે સુપર ઓવરમાં આ મેચ જીતી લીધી હતી.

ભારત તરફથી સુપર ઓવર જસપ્રીત બુમરાહે ફેંકી હતી, અને બેટિંગમાં કેન વિલિયમ્સન અને માર્ટિન ગપ્તિલ આવ્યા હતા. જેમાં પહેલા બે બોલમાં બે સિંગલ રન આવ્યા હતા તે પછી વિલિયમ્સને સ્કવેર લેગ બાઉન્ડરી પર છગ્ગો ફટકાર્યો હતો. તે પછી તેણે એકસ્ટ્રા કવરની ઉપરથી ચોગ્ગો માર્યો હતો. તે પછી બોલ ખાલી ગયો પણ બંને બેટ્સમેને બાયનો રન દોડી લીધો હતો અને અંતિમ બોલે ગપ્તિલે લો ફુલટોસ બોલ પર ડીપ મિડવિકેટ અને લોંગ ઓનની વચ્ચે ચોગ્ગો માર્યો હતો, આમ તેમના કુલ 17 રન થયા હતા અને ભારતને જીતવા માટે 18 રન કરવાના આવ્યા હતા.

ભારત વતી રોહિત શર્મા અને રાહુલ બેટિંગ કરવા આવ્યા હતા અને ન્યુઝીલેન્ડ વતી ટીમ સાઉધીએ બોલિંગ કરી હતી, પહેલા બોલે મિડ વિકેટ પર શોટ મારીને રોહિતે 2 રન લીધા હતા. તે પછીના બોલે રોહિતે સિંગલ લીધો હતો. તે પછીના બોલે લોકેશ રાહુલે અંદરની તરફ આવીને ડીપ સ્કવેર લેગ અને ડીપ ફાઇન લેગ પર ચોગ્ગો માર્યો હતો, તે પછીના બોલે સિંગલ આવ્યો હતો. તે પછીના બોલે રોહિત શર્માએ છગ્ગો ફટકાર્યો હતો. ભારતને જીતવા માટે છેલ્લા બોલમાં ચાર રન જરૂરી હતા અને રોહિત શર્માએ છગ્ગો ફટકારીને ભારતને મેચ જીતાડી હતી અને આ સાથે જ ભારતીય ટીમે સીરિઝ પણ જીતીને ઇતિહાસ રચ્યો હતો.