ગુજરાતભરમાં ઠંડીનું જોર ફરી વધશે, બે દિવસ કોલ્ડવેવની આગાહી

ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાન 3થી 4 ડિગ્રી વધ્યુ છે. જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકોએ રાહત અનુભવી હતી. જોકે આ રાહત અલ્પજીવી છે કારણ કે ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનુ જોર વધવાની આગાહી છે.

ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફુંકાતાની સાથે લઘુતમ અને મહત્તમ તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનુ જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર ડૉકટર જયંત સરકરે જણાવ્યું છે કે ભાવનગર,રાજકોટ કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. એટલે કે જ્યા કોલ્ડવેવની સ્થિતિ રહેશે ત્યાં લઘુતમ તાપમાન 4.૫5 ડિગ્રી અથવા તો તેનાથી ઓછુ રહેવાની સંભાવના છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં ઠંડીનુ જોર વધી જશે. ગુજરાત ઉપર સુકા અને ઠંડા પવન ફુકાશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે.

સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના વિસ્તારમાં પણ લઘુતમ તાપમાન ઘટાડો થશે. એટલે કે સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત ઠંડીના કારણે લોકો ઠુંઠવાશે. મહત્વપૂર્ણ છે કે રાજસ્થાન સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ હતું જેના કારણે ગુજરાતમાં બે દિવસ વાદળ છાયુ વાતાવરણ રહ્યુ હતું અને પવનની દિશા પણ ઉતરપૂર્વની હતી. જેથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.જોકે ફરી એક વખત પવનની દિશા ઉતર પ્રશ્ચિમની થતા ઠંડીનુ પ્રમાણ વધશે.