CAA: શાહીન બાગની મહિલાઓ આ શરતે ખતમ કરશે વિરોધ પ્રદર્શન

દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન શાહીન બાગનો મુદ્દો ચર્ચામાં છે. આ અંગે રાજકારણ પણ ખૂબ ઉગ્ર બની રહ્યું છે. 47 દિવસથી ચાલી રહેલા CAA અને NRC વિરુદ્ધનો વિરોધ હજી સમાપ્ત થયો હોય તેમ લાગતું નથી. જોકે, ત્યાં વિરોધ કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સંસદમાં આ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરે છે, તો અમે તાત્કાલિક વિરોધનો અંત કરીશું.

બુધવારે શાહીન બાગમાં ન્યૂઝ ચેનલના પત્રકારોની ટીમ સાથે પ્રદર્શન કરી રહેલા લોકો સાથે વિશેષ વાતચીત કરી હતી. મહિલાઓએ કહ્યું કે અમે ફક્ત સંસદની વાત પર જ વિશ્વાસ કરીશું.  શેરીઓમાં શું કહેવામાં આવે છે તેના પર વિશ્વાસ નહીં કરીશું. મહિલાઓએ કહ્યું કે ગૃહમંત્રી કહે છે કે આ કાયદો જરૂરથી લાવીશું તો પીએમ મોદી કહે છે કે તેમની સરકારે NRC પર ચર્ચા કરી નથી.

દેખાવ કરી રહેલી મહિલાઓએ કહ્યું હતું કે જો વડા પ્રધાન સંસદને કહેશે કે NRC અને NPR  લાગુ નહીં થાય, તો અમે ધરણાને પૂર્ણ કરી દઈશું. અમે પાછા જઈશું. અમારા ગૃહ પ્રધાને સંસદમાં કહ્યું હતું કે CAA આવી ગયું છે અને નિશ્ચિતપણે NRC લાગુ કરાશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ પણ  સંસદમાં લગભગ આઠ વાર કહ્યું હતું કે NRC લાગુ થશે. આવી પરિસ્થિતિમાં કોના પર વિશ્વાસ મૂકી શકાય?

મહિલાઓએ કહ્યું કે જો વડા પ્રધાન એમ કહેતા હોય કે આ લાગુ નહીં થાય તો બંધારણીય રીતે રાષ્ટ્રજોગ સંદેશો આપે કે અમે CAA -NRC પાછા ખેંચી રહ્યા છીએ. અથવા શાહીન બાગમાં પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલીને અમને સંતોષ આપે કે અમે કાયદો પાછો ખેંચી રહ્યા છીએ. એક મહિલાએ કહ્યું કે ખુદ મોદી-શાહમાં કોઈ સંકલન નથી. તેથી જ તેમનાં નિવેદન અલગ-અલગ છે. પહેલા તેઓ એકબીજાને સમજે તે જરૂરી છે.