ભાજપ માટે શાહિન બાગ પ્રદર્શન સાબિત થશે વરદાન રૂપ

સીટીઝન્સ એમેડમેન્ટ એક્ટ (સીએએ)ની વિરુદ્ધમાં દિલ્હીના શાહિનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનનો જો કોઇને ફાયદો થવાનો હોય તો તે બીજા કોઇને નહીં પણ ભાજપને થશે એવું જો કોઇ તમને કહે તો તમે શું કરો, પણ ના આ કોઇ જોક નથી આ સાચી વાત છે. દિલ્હીની ચૂંટણીમાં ભાજપને આ પ્રદર્શનનો ફાયદો થવાની વાત થઇ રહી છે, એક તરફ આમ આદમી પાર્ટી એવો દાવો કરે છે કે દિલ્હીના લોકો આપના કામ પર મત આપશે, જ્યારે ભાજપનો દાવો છે કે દિલ્હીને અરાજક તત્વોથી સુરક્ષિત રાખવા માટે નરેન્દ્ર મોદીને જીતાડવા જરૂરી છે. તેથી જ ભાજપ વારંવાર શાહીનબાગના પ્રદર્શનકારીઓને દેશદ્રોહી ગણાવી રહ્યો છે.

એક અખબારના અહેવાલ અનુસાર શાહીનબાગ પ્રદર્શનને દિલ્હીનો ચૂંટણી મુદ્દો બનાવવો એ ભાજપ માટ સારા સમાચાર છે. એક આંતરિક સર્વે અનુસાર દિલ્હીમાં ભાજપની સ્થિતમાં પહેલાની સરખામણીએ ફાયદાકારક બની છે અને તેને 70માંથી 30-35 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર 40 દિવસથી વધુ સમયથી શાહીનબાગમાં પ્રદર્શન ચાલી રહ્યું છે અને તેના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. આ ધરણાથી ટ્રાફિકની સમસ્યા વધી ગઇ છે અને લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે ચૂંટણી નજીક આવતા જ ભાજપની રેલીઓ વધી શકે છે, એ ઉલ્લેખનીય છે કે 2015માં ભાજપને માત્ર 3 સીટ મળી હતી જ્યારે આપને 67 બેઠકો મળી હતી.