ભારત બંધ: ગુજરાતમાં બંધની અસર, જાણો ક્યાં કેવી રીતે રહ્યું બંધ, જૂઓ ફોટો

નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC)ના વિરોધમાં આજે ભારત બંધની હાકલ કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. બહુજન ક્રાંતિ મોરચાના આ ભારત બંધને CAA – NRC નો વિરોધ કરતી અન્ય સંસ્થાઓનો ટેકો પણ મળી રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે નાગરિકત્વ કાયદા વિરુદ્ધ અને દિલ્હીના જંતર મંતર ખાતે CAA – NRC વિરુદ્ધ દેખાવો યોજવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ બંધની અસર જોવા મળી હતી. મુસ્લિમ સમાજે ઐતિહાસિક રીતે બંધ પાળ્યો હતો. બંધમાં માત્ર મુસ્લિમો જ નહીં પણ અન્ય સમાજ અને ધર્મના લોકો પણ જોડાયા હતા.

ગુજરાતમાં બંધની અસર જોવા મળી હતી. મુસ્લિમોએ ઐતિહાસિક રીતે સ્વંભૂ સજ્જડ બંધ પાળ્યો હતો. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બંધની અસર જોવા મળી હતી. જોકે, સ્કૂલ, કોલેજો સહિત તમામ કચેરીઓ ચાલુ રહેવા પામી હતી. લોકોએ સ્વંભૂ રીતે બંધ પાળ્યો હતો.

સુરતના લીંબાયત વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનાના પગલે લીંબાયતમાં પોલીસ દોડી આવી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ સિવાય સુરતમાં શાંતિ જોવાં મળી હતી.

બિહારમાં ભારત બંધની મિશ્ર અસર પડી હતી. વિરોધીઓએ અનેક જગ્યાએ ટ્રેનોની કામગીરી ખોરવી નાખી હતી. હાઈવે પર પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં બંધની આંશિક અસર છે. વિવિધ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. ભારત બંધના હાકલનો મુખ્ય કાર્યસૂચિ સીએએ, એનઆરસી અને ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (ઇવીએમ) નો વિરોધ છે.  બિહારના ઘણા જિલ્લાઓમાં ડાબેરી કાર્યકરો સવારથી જ વિરોધ માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને રસ્તો રોકીને વિરોધ કરી રહ્યા છે.

ભારત બંધ દરમિયાન રાંચીમાં સુરક્ષાની બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ વડામથકે તમામ જિલ્લાઓને એલર્ટ કરી પેટ્રોલીંગ સઘન બનાવવા નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં, જિલ્લાઓને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

મુંબઇમાં NRC અને CAAના વિરોધ વચ્ચે બહુજન ક્રાંતિ મોરચાના સભ્યોએ કાંજુરમાર્ગ સ્ટેશન પર રેલ્વે ટ્રેક ખોરવી દીધો હતો. બહુજન ક્રાંતિ મોરચાના ભારત બંધને ધ્યાનમાં રાખીને રાજ્યોએ વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. રાજ્યોએ તમામ જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે. સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે.