કોરોના વાયરસ : ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોની મોટી શોધ, ટૂકમાં જ મળશે ઇલાજ

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇમાં એક મોટી સિદ્ધિ મેળવી લીધી હોવાનો દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેમણે ચીનની બહાર એખ સેમ્પલ વિકસાવ્યું છે અને તેનાથી ટૂંકમાં જ કોરોના વાયરસનો ઇલાજ શોધી શકાશે. ચીનમાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ ફેલાવ્યો છે. શ્વાસ સંબંધી આ બિમારીથી અત્યાર સુધીમાં ચીનમાં 132 લોકોના મોત થયા છે અને લગભગ 6000 લોકોને તેનો ચેપ લાગ્યો છે.

મેલબોર્નમાં ઘ ડોહર્ટી ઇન્સ્ટીટ્યૂટે બુધવારે જણાવ્યું હતું કે એક દર્દીના સેલ કલ્ચર દરમિયાન કોરોના વાયરસનો સેમ્પલ વિકસાવાયો હતો, પહેલીવાર ચીનની બહાર વિકસાવવામાં આવેલા વાયરસની વિગતો ટૂંકમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) સાથે શેર કરવામાં આવશે. વાયરસ આઇડેન્ટીફિકેશન લેબના હેડ જુલિયન ડૂસે કહ્યું હતું કે ચાઇનીઝ અધિકારીઓએ આ નોવેલ કોરોના વાયરસના જીન ગ્રુપને જારી કર્યો હતો. જે આ રોગની ઓળખ કરવામાં મદદરૂપ છે. ખરા વાયરસ હોવાનો અર્થ છે કે હવે તપાસના તમામ લેવલનું વેરિફિકેશન કરવાની ક્ષમતા આવી ગઇ છે, જે આ રોગના ઇલાજમાં ઘમો મહત્વપૂર્ણ સાબિત થશે.