ટ્રમ્પનું જુઠ્ઠાણું પકડાયું: ઈરાનના હૂમલામાં અમેરિકી સૈનિકોને થયું ભારે નુકશાન

ઇરાનના ટોચના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાનીને અમેરિકી હવાઇ હુમલામાં ઠાર માર્યા પછી બદલો લેવા ઈરાને ઇરાકમાં યુએસ સૈન્ય મથકો પર અનેક હુમલા કર્યા હતા. તે સમયે યુએસએ દાવો કર્યો હતો કે ઈરાનના મિસાઇલ હુમલામાં તેના સૈનિકોને કોઈ નુકસાન થયું નથી. જોકે, હવે આ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે.

સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર પેન્ટાગોનના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ઈરાન દ્વારા યુએસ સૈન્ય મથક પર મિસાઇલ હુમલો થતાં તેના 50 સૈનિકોને ભારે નુકશાન થયું છે અને મગજને ગંભીર ઇજાઓ પહોંચી છે.

તમને જણાવી દઇએ કે ઈરાન દ્વારા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલ હુમલો થયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ હુમલામાં અમેરિકાનો કોઈ સૈનિક માર્યો ગયો નથી અને કોઈને નુકસાન થયું નથી. જોકે, હવે તેમનો દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે.

પેન્ટાગોનના સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ થોમસ કેમ્પબલે જણાવ્યું છે કે પશ્ચિમ ઇરાકમાં ઐનુલ અસદ એર બેઝ પર ઇરાનના મિસાઇલ હુમલા પછી યુએસ આર્મીના 50 જવાનો મગજની ઇજાની સારવાર કરાવી રહ્યા છે. અધિકારીના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત જવાનોમાં કન્ઝેસ્ટીવ ઈંજરીના લક્ષણો તેમજ માથાનો દુખાવો, ચક્કર આવવા, વિઝનમાં અસ્પષ્ટતા જેવા રોગો શામેલ છે.

પેન્ટાગોન વતી જણાવવામાં આવ્યું છે કે હુમલા બાદ સમસ્યા સર્જાતા અઢાર સૈનિકોને તપાસ અને સારવાર માટે જર્મની મોકલવામાં આવ્યા છે, અને એકને કુવૈતને મોકલવામાં આવ્યો હતો જે તપાસ બાદ ફરજ પર પાછો ફર્યો છે.

નોંધનીય છે કે કાસીમ સુલેમાનીને મારવા માટે અમેરિકાએ ત્રીજી જાન્યુઆરીની સવારે એવા સમયે હુમલો કર્યો હતો કે જ્યારે સુલેમાની સીરિયાથી પરત આવી રહ્યા હતા અને ઇરાકની રાજધાની બગદાદમાં તેના એસયુવી વ્હીકલમાં બોડીગાર્ડ્સ સાથે એરપોર્ટની બહાર નીકળી રહ્યા હતા. કાસીમ સુલેમાની અને તેમના બોડીગાર્ડ્સનું વ્હીકલ એરપોર્ટના કાર્ગોમાંથી બહાર નીકળી રહ્યું હતું, તે જ સમયે અમેરિકન આર્મીએ તેમના કાફલા પર ડ્રોન દ્વારા 230 એમપીએફની લેઝર ગાઇડ હેલફાયર મિસાઇલ ચલાવી હતી,, જેના કારણે સુલેમાનીના વ્હીકલનું કચ્ચરઘાણ થઈ ગયું હતું.

અમેરિકી હુમલામાં સુલેમાનીના મોત પછી ઈરાનના ટોચના નેતા ખૌમેનીએ કહ્યું હતું કે દેશ ચોક્કસપણે બદલો લેશે. ખૌમેનીના નિવેદનના 48 કલાકમાં જ  ઇરાકની રાજધાની બગદાદમાં યુએસ સૈન્ય મથકો અને દૂતાવાસો પર અનેક રોકેટ હુમલો કરવામાં આવ્યા.