સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના સિવિલ અરજદારોને હવે ધક્કા ખાવા નહીં પડે, 31મી તારીખથી ધમધમતી થઈ જશે નવી કોર્ટો

ગુજરાતના કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી 31 જાન્યુઆરી-2020થી કાર્યરત થશે.

તેમણે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કિંમતી સમય અને નાણાનો વ્યય થતો હતો. જયારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના પરિણામે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે. આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે.

તેમણે કહ્યું હતું કે, જે ગુનાઓની ગંભીરતા વધુ છે તેવા ગુનાઓના આરોપીઓને યોગ્ય નશ્યત-સજા થાય તે હેતુથી આ નવિન કોર્ટો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગુનાનો ભોગ બનનાર પક્ષાકારોને જિલ્લા મથક સુધી ધકકા ખાઈ અને આર્થિક તેમજ સમયનો ભોગ આપવો ન પડે તે ઉદ્દેશથી સમાજના છેવાડાના નાગરિકના હિતને ધ્યાને રાખીને વર્તમાન સરકારે સંવેદનશીલ વલણ અપનાવીને વધુમાં વધુ અધિક જિલ્લા ન્યાયાધીશોની નામદાર હાઈકોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાએ સ્થાપના કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વલસાડ જિલ્લાના વાપી તથા ધરમપુર તાલુકામાં, વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ તાલુકામાં, અમરેલી જિલ્લાના સાવરકુ્રંડલા તાલુકામાં, આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તથા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એમ કુલ સાત અધિક જિલ્લા ન્યાયાધીશશ્રીની કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓના મહેકમની મંજુરી પણ આપવામાં આવી છે.