આસામને ભારતથી અલગ કરી દેવાનું ભડકાઉ ભાષણ કરનાર શરજીલ ઇમામ બિહારથી ઝડપાયો

દેશને ટુકડાંઓમાં વહેંચી દેવાનું વિવાદી ભાષણ કર્યા પછી છુપાતો ફરતો જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી શરજીલ ઇમામ આખરે ઝડપાયો છે. આસામને ભારતથી અલગ કરવાનું ભાષણ કર્યા પછી શરજીલ ચર્ચામાં આવ્યો હતો. એવું કહેવાયું છે કે તેને પોલીસે બિહારના જહાનાબાદથી દબોચી લીધો છે. આ પહેલા તેના ભાઇની પણ પોલીસે ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસે મંગળવારે દાવો કર્યો હતો કે શરજીલ ટૂંકમાં જ મળી જશે. તેની શોધ કરવા માટે રચાયેલી પાંચ ટીમોએ મુંબઇ, દિલ્હી, પટણાના ઘણાં વિસ્તારોમાં છાપામારી કરી હતી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના જ એક ટોચના અધિકારીએ સોમવારે રાત્રે કહ્યું હતું કે તે પોલીસના રડારમાંથી ગાયબ થઇ ગયો છે. ચિંતા છે કે ક્યાંક તે નેપાળ ન ભાગી ગયો હોય. નેપાળ જતો રહેશે તો તેને ભારત લાવવામાં ઘણી મુશ્કેલી પડશે. કારણકે તમામ કાયદાકીય અડચણોનો સામનો કરવો પડી શકે છે.

શરજીલનો પરિવાર મુળે બિહારના જહાનાબાદ જિલ્લાના કાકોનો રહીશ છે. શરજીલના પિતા અકબર ઇમામ જેડીયુના નેતા હતા, તેમનું થોડા વર્ષો પહેલા બિમારીને કારણે નિધન થયું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના રહેલા અકબર ઇમામે 2005માં જહાનાબાદ સીટ પરથી જેડીયુની ટિકીટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી. જેડીયુના સહયોગી હોવાના નાતે ભાજપની પણ તેમને ચૂંટણીમાં મદદ મળી હતી. જો કે તેઓ આરજેડીના ઉમેદવાર સચ્ચિદાનંદ સામે 3000 મતે હારી ગયા હતા.

પિતાના નિધન પછી શરજીલનો નામો ભાઇ મુઝમ્મીલ ઇમામે પિતાનો રાજકીય વારસો સંભાળ્યો હતો અને તે ઘણો સમય સુધી જેડીયુ સાથે જોડાયેલો રહ્યો હતો. થોડા મહિના પહેલા જેડીયુ છોડનાર મુઝમ્મીલ પણ સીએએ વિરોધમાં ઘણો સક્રિય છે. તે પણ પટણા, જેહાનાબાદ સહિતના ઘણાં વિસ્તારોમાં સીટીઝન્સ એમેડમેન્ટ એક્ટ વિરોધી પ્રદર્શનમાં સામેલ થયો હતો.