પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદી બોલ્યા : આપણું સૈન્ય અઠવાડિયા-10 દિવસમાં ધુળ ચટાડી શકે

નવી દિલ્હીમાં એનસીસી કેડેટ્સને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ પાકિસ્તાનનું નામ લીધા વગર એક આકરી ચેતવણી આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે પાડોશી દેશ જાણે છે કે તે ભારત સાથેના 3-3 યુદ્ધ હારી ચુક્યું છે, ભારતીય સૈન્ય ઇચ્છે તો તેને અઠવાડિયા-10 દિવસમાં ધુળ ચટાડી શકે છે. પીએમ મોદીએ અહીં કોંગ્રેસ, બસપા સહિત વિપક્ષી દળો પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલાની સરકારોએ દશકાઓ સુધી સંસદમાં સીટીઝન્સ એમેડમેન્ટ્સ એક્ટ, એનિમી પ્રોપર્ટી બિલ લટકાવી રાખ્યા અને માત્ર વોટબેન્કનું જ રાજકારણ રમ્યું હતું.

એનસીસી કેડેટ્સને સંબોધન કરતાં મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે આપણે જાણીએ છીએ કે આપણો પાડોશી દેશ આપણી વિરુદ્ધ 3-3 યુદ્ધ હારી ચક્યો છે, આપણા સૈન્યને 10થી 12 દિવસ લાગશે તેમને ધુળ ચાટતા કરવામાં. હવે તે દશકાઓથી માત્ર પ્રોક્સી વોર કરે છે અને તેમાં ઘણાં નાગરિકોના જીવ જઇ રહ્યા છે, આપણા જવાનો શહીદ થઇ રહ્યા છે.

પહેલાની સરકારો વાતો કરતી હતી, આજે ઘરમાં ઘુસીને પાઠ ભણાવાય છે

સીએએ-એનઆરસી બાબતે વડાપ્રધાને કહ્યું હતું કે અફવા ફેલાવનારા સમજી લે કે મોદી પોતાની પ્રતિષ્ઠા માટે નથી જનમ્યો, મોદી માટે દેશની પ્રતિષ્ઠા જ બધુ છે. તે પછી પીએમે કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું હતું કે પહેલાની સરકારો વિચારતી હતી કે ત્રાસવાદ, બોમ્બ વિસ્ફોટ એ બધુ લો એન્ડ ઓર્ડરની સમસ્યા છે. ભારત માતા લોહીલુહાણ થતી ગઇ, વાતો ઘણી થઇ, ભાષણ ઘણાં થયા પણ જ્યારે આપણું સૈન્ય એક્શનની વાત કરતું ત્યારે તેને મનાઇ ફરમાવાતી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે યુવા વિચાર છે, યુવા મનની સાથે દેશ આગળ વધી રહ્યો છે, તેથી તે સર્જીકલ સ્ટ્રાઇક કરે છે, એર સ્ટ્રાઇક કરે છે અને ત્રાસવાદના પાલનહારોને તેમના ઘરમાં જઇને પાઠ ભણાવે છે.

સીએએ બાબતે કોંગ્રેસ અને માયાવતી પર નિશાન સાધ્યું

સીએએ બાબતે માયાવતી અને કોંગ્રેસ પર હલ્લાબોલ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિઓ પર જુલમ થતાં રહ્યા છે. આ દેશોના લઘુમતિઓ માટે ભારતની જવાબદારી હતી કે તેમને શરણું આપવામાં આવે, પણ તેમનાથી મ્હો ફેરવી લેવાયું. ભારતના જૂના વચનનું પાલન કરવા માટે અમારી સરકાર સીએએ લઇને આવી, એવા લોકોને નાગરિકતા આપવામાં આવી રહી છે, તો કેટલાક પક્ષો તેમાં પણ વોટબેન્કનું રાજકારણ રમવા માંડ્યા. આખરે તેઓ કોના લોકોના હિતમાં કામ કરે છે. માયાવતી પર નિશાન સાધતાં તેમણે કહ્યું કેટલાક લોકો પોતાને દલિતોના હિતેચ્છુ ગણાવે છે, પણ તેમને પાકિસ્તાનના દલિતો પરના અત્યાચાર દેખાતા નથી. તેઓ ઓ ભુલી જાય છે કે જે પાકિસ્તાનના અત્યારચારોથી ભાગીને આવ્યા છે તેમાંથી મોટાભાગના દલિતો છે.