અદનાન સામીને પદ્મશ્રી મળી શકે તો પાકિસ્તાની મુસ્લિમોને પણ દેશની નાગરિકતા આપવાનું વિચારો : માયાવતી

પાકિસ્તાની મુળના ગાયક અદનાન સામીનેં પદ્મશ્રી એવોર્ડ આપવાથી જાગેલા રાજકીય ધમાસાણમાં બસપાના સુપ્રીમો માયાવતીએ હવે એન્ટ્રી કરી છે. માયાવતીએ કહ્યું છે કે જો પાકિસ્તાની મુળના ગાયકને નાગરિકતા મળી શકે અને સન્માન મળી શકે તો પાકિસાતાની મુસ્લિમોને પણ સીટીઝન્સ એમેડમેન્ટ એક્ટ (સીએએ) હેઠળ દેશમાં શરણું મળવું જોઇએ. માયાએ કેન્દ્રની મોદી સરકારને સીએએ પર આ મામલે પુનર્વિચાર કરવાની વણમાગી સલાહ પણ આપી છે.

માયાવતીએ ટિ્વટ કરીને લખ્યું છે કે પાકિસ્તાની મુળના ગાયક અદનાન સામીને જ્યારે ભાજપ સરકાર નાગરિકતા અને પદ્મશ્રીથી પણ સન્માને છે તો પછી જુલમ અને જબરદસ્તીના શિકાર બનેલા પાકિસ્તાની મુસ્લિમોને ત્યાંના હિન્દુ, શીખ, ખ્રિસ્તીની જેમ અહીં સીએએ હેઠળ શરણુ કેમ ન મળી શકે. કેન્દ્ર સીએએ પર પુનર્વિચાર કરે તો તે વધુ સારું ગણાશે. એ ઉલ્લેખનીય છે કે અદનાન સામીને પદ્મશ્રીથી સન્માનિત કરાતા કોંગ્રેસમાં પણ બે ભાગલા પડ્યા છે, ત્યારે માયાવતીનું આ નિવેદન એક નવો વળામક આણી શકે છે.