કોરોના વાયરસને લઈ ગુજરાત સરકારની એડવાઈઝરી, આવી રીતે બચી શકાય છે વાયરસના હુમલાથી

ચીનમાંથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે ગુજરાત સરકાર સાવધ થઈ ગઈ છે. ચીનથી ગુજરતામાં આવી રહેલા મુસાફરોનું તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસ અંગે ગુજરાત સરકારે એડવાઈઝર બહાર પાડી છે અને અગમચેતીની તકેદારી રાખવા લોકોને વિનંતી કરી છે. ગુજરાત સરકારના આરોગ્ય  વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિએ આજે ગાંધીનગર ખાતે કોરોના વાયરસ અંગે માહિતી આપી હતી.

ડો.જયંતિ રવિએ જણાવ્યું કે કોરોના વાયરસથી બિન જરૂરી ગભરાવવાની જરૂર નથી પણ જરૂરી સાવચેતી રાખવા નાગરિકોને અપીલ કરતા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ કહ્યું હતું કે, ચાઇનામાં રહેતા ભારતીય નાગરિકોની મદદ માટે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગ અંતર્ગત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યકક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કંટ્રોલ રૂમ ખાતે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત કોઇ વ્યક્તિમાં વાયરસના લક્ષણો જોવા મળે તો આરોગ્ય વિભાગના રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ-079 23250818 ઉપર  સંપર્ક કરવાનો રહેશે. જે માટે રાજ્યકક્ષાએ ડૉ. ઉમંગ મિશ્રા અને ડૉ. પઠાણની નિયુક્તિ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે રાજયમાં તમામ હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં આ રોગ માટે જરૂરી તમામ દવાઓ વેન્ટીલેટર જેવા સાધનો સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવા સુચના આપવામાં આવેલ. રાજયમાં તમામ આરોગ્ય સંસ્થાઓ તેમજ હોસ્પિટલ ખાતે પી.પી.ઈ. કીટ, એન-95 માસ્ક, ટ્રીપલ લેયર માસ્ક વગેરેનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના તબીબોને તેમજ ખાનગી હોસ્પિટલો કે જેમાં આઈસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ છે તેવી હોસ્પિટલના તબીબોને રાજયના નિષ્ણાતો દ્વારા આ રોગ તેમજ તેની ગાઈડલાઈન વિષે તાલીમ આપવામાં આવી રહી છે. ભારત સરકાર તરફથી આવેલ માર્ગદર્શિકા તમામ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તેમજ સંબંધિતોને મોકલી આપવામાં આવી છે તેમ ડૉ. રવિએ વધુ માહિતી આપતાં ઉમેર્યું હતું.

ડૉ. રવિએ આ વાયરસના લક્ષણોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ રોગના લક્ષણોમાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જોવા મળે છે. આ રોગનો ચેપ ચેપી સી-ફૂડ ખાવાના કારણે થતો હોવાનું મનાય છે. આ રોગનો ફેલાવો મનુષ્યથી મનુષ્યમાં થવાની ખુબજ ઓછી શક્યતા રહેલી છે. આ રોગની તપાસ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી, પુના ખાતે કરવામાં આવે છે. રાજ્યમાં જો કોઈ કેસ નોંધાય તો તેનું સેમ્પલ પુના ખાતે મોકલી આપવામાં આવશે. આ રોગની કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે વેકસીન ઉપલબ્ધ નથી. રોગના અટકાવ અને નિયંત્રણ માટે સીઝનલ ફ્લુની જેમ દર્દીને આઈસોલેશનમાં રાખવો, પી. પી. ઇ. કીટનો ઉપયોગ કરવો, વારંવાર સાબુથી હાથ ધોવા, હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરવું, ભીડભાડ વાળી જગ્યાએ ન જવું વગેરે જેવી તકેદારી રાખવા તેમણે રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.