ગુજરાતમાં ચીનથી આવેલા 10 લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા, અમદાવાદ સિવિલ બની કોરોના વાયરસની બેઝ હોસ્પિટલ

ગુજરાત સહિત દેશમાં નોવેલ કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. નોવેલ કોરોના વાયરસ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્ક છે. ચાઇનામાં ફસાયેલા ગુજરાતી નાગરિકોને પરત લાવવા રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદેશ મંત્રી સાથે વાત કરી હતી જેમાં વિદેશ મંત્રાલય તરફથી તમામ જરૂરી મદદની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં આ વાયરસની પરિસ્થિતિ સામે પહોંચી વળવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જરૂરી સૂચનો કર્યા હતા, તેમ આરોગ્ય  વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

ડૉ. રવિએ કહ્યું  હતું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળેલ માહિતી તેમજ સ્થાનિક કક્ષાએથી આરોગ્ય વિભાગને મળેલ માહિતી અનુસાર હાલ રાજ્યમાં ચાઈનાથી આવેલ અમદાવાદમાં-4, વડોદરામાં-2, સુરત મહાનગરપાલિકામાં-1, રાજકોટમાં-1, આણંદમાં-1 અને જુનાગઢમાં-1 એમ કુલ 10 મુસાફરોને ઓઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ તમામ મુસાફરોનું જિલ્લાના સર્વેલન્સ અધિકારી તેમજ કોર્પોરેશન સર્વેલન્સ અધિકારી દ્વારા દૈનિક ધોરણે મુલાકાત લેવામાં આવે છે. આ તમામ મુસાફરો સ્વસ્થ્ય છે અને તેમનામાં આ રોગના કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. આગામી વધુ 28 દિવસ સુધી આરોગ્ય અધિકારીઓ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ લક્ષણ જણાશે તો તેને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી ગાઈડલાઈન મુજબ સેમ્પલ લેવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશના જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાઈનાથી ફ્લાઈટ આવે છે તેવા દિલ્લી, મુંબઈ, કલકત્તા, બેંગ્લોર, કોચીન, હૈદરાબાદ અને ચેન્નાઈ ખાતેના એરપોર્ટ હેલ્થ ઓફીસ દ્વારા એન્ટ્રી સ્ક્રીનીંગ શરુ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે ગુજરાતમાં પણ અમદાવાદ સહિત બીજા 12 એરપોર્ટ પર સાઈનેજીસ ડિસપ્લે તેમજ સેલ્ફ રીપોટીંગ કરવાની સુચના આપવામાં આવી છે. જે મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ-1 અને 2 ઉપર હેલ્થ એલર્ટ ડિસપ્લે કરવામાં આવેલ છે અને ચાઈનાથી આવનાર જે મુસાફરને આ રોગના લક્ષણો હોય તો એરપોર્ટ ઓથોરીટી કે આગામી 28 દિવસમાં આ રોગના લક્ષણો જણાય તો તેને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા આરોગ્ય તંત્રનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવેલ છે.

ડૉ. રવિએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ ખાતે પણ હેલ્થ એલર્ટ ડિસપ્લે કરવામાં આવેલ છે. અમદાવાદ કે રાજયના અન્ય કોઈ એરપોર્ટ ખાતે હાલમાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવાની સુચના મળેલ નથી, પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા એરપોર્ટ પર એરપોર્ટ હેલ્થ ઓફીસ ખાતે સ્ક્રીનીંગ કરવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ-અમદાવાદ ખાતે 24×7 મેડીકલ ટીમ તથા એબ્યુલન્સ રાખવામાં આવેલ છે.

ખાસ કરીને કોરોના વાયરસ માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે, જેમાં અદ્યતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના તબીબી અધિક્ષક ઉપરાંત અન્ય તમામ નિષ્ણાતો અને સ્ટાફને આ રોગ અંગે સેન્સીટાઈઝ કરવામાં આવેલ છે.

તેમણે કહ્યું હતું કે, હાલમાં ચાઈના વુહાન, હુબઈ અને અન્ય પ્રાંતોમાં નોવેલ કોરોના વાયરસ-2019 (nCoV-2019)ના કારણે 2800 થી વધુ કેસ અને 82 જેટલા મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત જાપાન, થાઈલેન્ડ, સાઉથ કોરીયા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, હોંગકોંગ, મલેશિયા, ફારસ, તાઈવાન, મકાઉ, વિયેતનામ, કેનેડા, શ્રીલંકા તેમજ નેપાળ વગેરે દેશોમાં પણ આ રોગના કેસ નોંધાયેલ છે. પરંતુ આ દેશોમાં હજુ સુધી કોઈ મૃત્યુ નોંધાયા નથી.