હાઈકોર્ટમાં ગુજરાત સરકારે હેલ્મેટને લઈ એવું કહ્યું છે કે જેનાથી વાહનચાલકોનું પ્રેશર વધી જશે

સમગ્ર ગુજરાતમાં  હેલમેટને લઈ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એવું કહ્યું છે તે જેના કારણે વાહન ચાલકોનું પ્રેશર ફરી એક વખત વધી જવાની શક્યતા છે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું હેલમેટ મરજીયાત કરવા અંગે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી.

રૂપાણી સરકારે રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારે હાઈકોર્ટમાં કહ્યું હેલ્મેટ પહેરવું મરજીયાત નથી બનાવ્યું પણ હેલ્મેટ ફરજીયાત જ છે. સરકારે કોઈ સર્ક્યુલર કે નોટીફિકેશન  બહાર પાડ્યું નથી.

હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં મોટર વ્હીકલ એક્ટની જોગવાઈની સખ્તાઈપૂર્ણ અમલવારી કરવાની માંગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે ટ્રાન્સપોર્ટ સેક્રેટરીને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત સરકારે કોર્ટમાં કહ્યું છે કે બાઈકની પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

અત્રે નોંધનીય છે કે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ચોથી ડિસેમ્બર-2019ના દિવસ હેલ્મેટ અંગે જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં તેમણે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ચોથી ડિસેમ્બરે ગુજરાતની રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં લાંબી ચર્ચાના અંતે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ આરસી ફળદુએ તે વખતે જણાવ્યું હતું. હવે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબથી વાહનચાલકો અને પોલીસ એમ બન્ને મૂંઝવણમાં મૂકાઈ જવા પામ્યા છે.

તે વખતે એવું કહેવાયું હતું કે હેલ્મેટનો કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી પણ થોડા સમય માટે મુલત્વી રાખવાંમાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી કરવાના બદલે ગુજરાત સરકારે તેમાં સુધારા કરી નવા નિયમો જાહેર કર્યા હતા અને દંડની અલગથી જોગવાઈ કરી હતી.