2 ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતનાર કોબે બ્રાયન્ટ એવો વારસો છોડી ગયો જેનાથી બાસ્કેટબોલની ભાવિ પેઢી પ્રેરિત થતી રહેશે

ક્યારેય હાર ન માનવાનો જુસ્સો, આકરી પ્રતિસ્પર્ધા અને સચોટતાને કારણે કોબે બ્રાયન્ટ એનબીએનો દિગ્ગજ બન્યો હતો અને તે પોતાના પાછળ એક એવો વારસો છોડી ગયો છે કે જેનાથી નેશનલ બાસ્કેટબોલ લીગની નવી પેઢી અને વિશ્વભરના પ્રસંશકો પ્રેરણા મેળવતા રહેશે. રવિવારે 41 વર્ષની વયે તેનું હેલિકોપ્ટર દુર્ધટનામાં મોત થયું અને તેના નિધન પછી અમેરિકાભરમાં શોકનું મોજુ ફેલાયું હતું, ત્યાં સુધી કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, ફૂટબોલના દિગ્ગજ લિયોનલ મેસી કે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ પણ તેના માટે શોક સંદેશ મુક્યો હતો.

લોસ એન્જેલસ લેકર્સ સાથે 20 વર્ષ સુધી જોડાયેલા રહીને કોબેએ 5 એનબીએ ટાઇટલ જીત્યા હતા, કોબે બ્રાયન્ટ માજી એનબીએ ખેલાડી જેલીબીન બ્રાયન્ટનો પુત્ર હતો, 23 ઓગસ્ટ 1978ના રોજ ફિલાડેલ્ફિયામાં જન્મેલા બ્રાયન્ટે શાકિલ ઓ નીલ સાથે મળીને લેકર્સને 2000, 2001, 2002માં ટાઇઠલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને આ રીતે તે 23 વર્ષની વયે 3 એનબીએ ટાઇટલ જીતનારો સૌથી યુવા ખેલાડી બન્યો હતો, તે પછી ઓ નીલે બ્રાયન્ટ સાથેના ઝઘડાને કારણે લેકર્સને છોડી દીધી હતી.

તે પછી બ્રાયનની રમત પર પણ અસર પડી હતી અને એ પછી સ્પેનના પાઉ ગેસોલના આવ્યા સુધી તેની ટીમ કોઇ ટાઇટલ જીતી શકી નહોતી. બ્રાયન્ટની આગેવાનીમાં લેકર્સે 2009 અને 2010માં પણ ટાઇટલ જીત્યુ. તે પછી ઓ નીલ સાથે ફરી સુલેહ થઇ. બ્રાયન્ટની આગેવાનીમાં અમેરિકાની ઓલિમ્પિક્સ ટીમે 2008 અને 2012 ના ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા અને તે પછી બ્રાયન્ટ વૈશ્વિક હસ્તી બન્યો હતો.

2006માં ટોરન્ટો રેપ્ટર્સ સામે કરેલું 81 પોઇન્ટવાળું પ્રદર્શન કોઇ ભુલી નહીં શકે

તેણે ઘણાં જોરદાર પ્રદર્શન કર્યા હતા, પણ 22 જાન્યુઆરી 20006માં ટોરેન્ટો રેપ્ટર્સ સામે તેણે કરેલા પ્રદર્શનને કોઇ ભુલી શકે તેમ નથી. તે સમયે તેણે 81 પોઇન્ટ બનાવ્યા હતા. તેના કરતાં વધુ પોઇન્ટ માત્ર વિલ્ટ ચૈમ્બરલેને 1962માં બનાવેલા 100 પોઇન્ટ હતા. એટલું જ નહીં 2016માં 37 વર્ષની વયે તેણે એનબીએની પોતાની અંતિમ મેચમાં ઉટાહ સામે 60 પોઇન્ટ બનાવ્યા હતા, બ્રાયન્ટે એક સમયે કહ્યું હતું કે હું આ રમતની દરેક વસ્તુને પસંદ કરું છું. મારા માટે આ જીવનનો હિસ્સો નહીં પણ આ જ જીવન છે અને તે મારો એક હિસ્સો છે.

બ્રાયન્ટ 18 વાર એનબીએ ઓલ સ્ટાર રહ્યો, એવોર્ડ વિનિંગ ફિલ્મ પણ લખી

પોતાની ઝળહળતી કેરિયરમાં કોબે બ્રાયન્ટે કુલ 33643 પોઇન્ટ બનાવ્યા હતા. તે 18 વાર એનબીએ ઓલ સ્ટાર બન્યો હતો. બ્રાયન્ટને 2008માં એનબીએના સૌથી ઉપયોગી ખેલાડી તરીકે પસંદ કરાયો હતો. નિવૃત્તિ લીધા પછી બ્રાયન્ટે બાળકો માટે પુસ્તકો લખવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે ડિયર બાસ્કેટબોલ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી હતી. આ ફિલ્મને ગત વર્ષે જ એનીમેશનની સર્વશ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.