આ કારણથી 40 દિવસ સુધી ચાલનારા યુદ્ધ માટે હથિયાર એકત્ર કરી રહ્યું છે સૈન્ય

અંદાજે 13 લાખ જવાનોની શક્તિ ઘરાવતા ભારતીય સૈન્યએ પોતાની શક્તિ ધીરે ધીરે વધારવાનું શરૂ કરી દીધું છે. સૈન્યએ રોકેટ્સ અને મિસાઇલથી લઇને હાઇ કેલિબર ઘાવતી ટેન્ક અને આર્ટીલરી શેલ્સનો ભંડાર પણ ભેગો કરવા માંડ્યો છે. આ તમામ તૈયારી એવી રીતે ચાલુ કરવામાં આવી છે કે જેથી 10 દિવસ સુધી ચાલનારા મહા ભયાનક યુદ્ધ માટે દારુગોળાનો પુરવઠો પુરો પાડી શકાય અને આગળ ચાલતા તેને 40 દિવસના લક્ષ્ય સુધી લઇ જઇ શકાય. જો કે આવું કંઇ આવી પડનારા જોખમને કારણે નહીં પણ 2022-23 સુધીમાં સૈન્યને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી રહ્યું છે.

ચીન અને પાકિસ્તાનને ધ્યાને રાખીને આ સ્ટોક કરવામાં આવી રહ્યો છે

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે સૈન્ય માટે અલગઅલગ લેવલના હથિયાર 10 (I)ના લેવલ સુધી પહોંચાડવામાં આવશે. જેનો સીધો અર્થ એવો થાય છે કે 10 દિવસ સુધી ચાલનારા યુદ્ધ માટે જરૂરી સ્ટોક ભેગો કરી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભંડાર ખાસ કરીને વેસ્ટર્ન બોર્ડર માટે છે. જો કે હથિયારોનો ભંડાર ચીન અને પાકિસ્તાન બંને દેશને ધ્યાને લઇને ઊભો કરવો પડશે. એ ઉલ્લેખનીય છે કે પહેલા જે જરૂરી સાધન સામગ્રી ખુટતી હતી તે પુરી કરી લેવામાં આવી છે અને લગભગ 12890 કરોડ રૂપિયાના 24 વધુ કોન્ટ્રાક્ટ હાલ પાઇપલાઇનમાં છે. તેમાંથી 19 વિદેશી કંપનીઓ સાથે કરવામાં આવેલી સમજૂતીઓ છે.

10 દિવસ પછીનો આગલો ટાર્ગેટ હવે 40 દિવસના યુદ્ધની તૈયારીનો

હવે પછીનો ટાર્ગેટ 40 દિવસનો સ્ટોક ભેગો કરવાનો રહેશે. જો કે એ બાબતે ઘણી ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે કે દરેક પ્રકારના હથિયારોની જરૂરિયાત એટલા મોટા જથ્થામાં નથી હોતી અને આટલા મોટા રિઝર્વની જાળવણી ખર્ચા અને સહુલિયતની રીતે પણ યોગ્ય નથી હોતી. મંત્રાલય એ પણ વિચારી રહ્યું છે કે 2022-23 પછી 10 વર્ષ સુધી ડોમેસ્ટિક પ્રાઇવેટ સેક્ટરને વિદેશી કંપનીઓ સાથે મેળવીને 8 અલગઅલગ પ્રકારની ટેન્ક, આર્ટિલરી અને ઇન્ફેન્ટ્રી હથિયાર બનાવવામાં સક્ષમ કરી દેવામાં આવે, જેની કિંમત 1700 કરોડ રૂપિયા વાર્ષિક આંકવામાં આવી છે.

ઉરીમાં થયેલા હુમલા પછી કેન્દ્ર સરકાર હથિયારોની અછત મામલે જાગી

છેલ્લા કેટલાક વર્ષોથી સૈન્યમાં ટેન્કથી લઇને એર ડિફેન્સ યુનિટ સુધી હથિયારોની અછત મામલે સવાલો ઊભા થતાં હતા. ઘણાં સંસદીય અને સીએજી રિપોર્ટમાં પણ આ અગે કહેવાયુ હતું. જો કે 2016માં થયેલા ઉરી હુમલા પછી સરકાર એકશન મોડમાં આવી ગઇ અને નેવી, હવાઇ અને ભૂમીદળ ત્રણેય સૈન્યને આર્થિક અધિકાર આપવામાં આવ્યા. જ્યારે એ વાત સામે આવી કે સૈન્ય પાસે યુદ્ધ માટે પુરતા હથિયારો નથી તો 10 (I) લેવલના કોન્ટ્રાકટ કરવામાં આવ્યા અને તે પછી હથિયારોથી લઇને એન્જિન સુધીના 24 હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા. સૈન્ય માટે સ્મર્ચ રોકેટ, કોન્કુર એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, 125 એમએમ એપીએફએસડીએસ અને અન્ય હથિયારો માટે કુલ 19 કોન્ટ્રાક્ટ રશિયા અને અન્ય દેશોની કંપનીઓ સાથે કરવામાં આવ્યા.