દુબઇમાં નોકરી માગી તો મળ્યો જવાબ : CAAનો વિરોધ કરવા શાહિન બાગ જાઓ, બહું પૈસા મળશે

કેરળના એક યુવાને દુબઇમાં નોકરી માગી તો તેને એક અજબ જવાબ સાંભળવા મળ્યો હતો, કંપનીએ તેને સલાહ આપી કે તે દુબઇમાં નોકરી કરવાને બદલે દિલ્હીના શાહિનબાગ જઇને સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરે. તેમાં ખુબ કમાણી થશે. એ ઉલ્લેખનીય છે કે દક્ષિણ દિલ્હીમાં આવેલા શાહિનબાગમાં સીટીઝન્સ એમેડમેન્ટ એક્ટ (સીએએ) સામે લગભગ દોઢ મહિનાથી સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

Photocopy Of E-Mail

કેરળના 23 વર્ષના અબ્દુલ્લા એસએસે મિકેનિકલ એન્જિનિયરની પોસ્ટ માટે એપ્લીકેશન આપી હતી. દુબઇના અખબાર ધ ગલ્ફ ન્યૂઝના જણાવ્યા અનુસાર ત્યાં એક કન્સલ્ટન્સી ફર્મના સીનિયર અધિકારી જયંત ગોખલેએ ઇમેલ કરીને તેને જવાબ આપ્યો હતો કે હું વિચારું છું કે તને નોકરીની શું જરૂર છે. દિલ્હી જાઓ અને ત્યાં શાહિન બાગમાં ચાલી રહેલા ધરણા પ્રદર્શનમાં સામેલ થઇ જા. દરરોજ તને મફતમાં એક હજાર રૂપિયા મળશે. એ ઉપરાંત મફતમાં બિરીયાની, ચા, ખાવાનું અને મિઠાઇઓ પણ મળશે,

ગોખલેએ કરેવો આ ઇમેલ વાયરલ થયો હતો. જો કે આ મેલની સત્યતાની પુષ્ટિ અમે કરતાં નથી. ગલ્ફ ન્યૂઝના જણાવ્યા અનુસાર અબ્દુલ્લાનું કહેવું છે કે તે આ ઇમેલ જોઇને નવાઇ પામ્યો હતો. તેને સમજાયું નહોતું કે આખે કોઇ આ પ્રકારની વાતો કેવી રીતે લખી શકે. તેણે કહ્યું હતું કે મેં મારા કેટલાક મિત્રો સાથે તેને શેર કર્યો હતો અને તેના કારણે તે વાયરલ બની ગયો હતો. તેણે જો કે એવું ઉમેર્યું હતું કે આ મામલે તે કોઇ વિવાદ ઇચ્છતો નથી. તેને માત્ર નોકરીની જરૂર છે.

આ તરફ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ગોખલે સામે પગલાં લેવાની માગ કરી રહ્યા છે. લોકોની એવી દલીલ છે કે તેણે ધર્મના આધારે નોકરીમાં ભેદભાવ કર્યો છે. આ તરફ ગોખલેએ એવી સ્પષ્ટતા કરી છે કે હું બિમાર છું અને મારા ઇમેલને લોકો જબરદસ્તીથી મુદ્દો બનાવી રહ્યા છે. તેણે કહ્યું હતું કે આ ઇમેલ દ્વારા મારો ઇરાદો કોઇને ઠેસ પહોંચાડવાનો નહોતો. મેં અબ્દુલ્લાની પહેલાથી જ માફી માગી લીધી છે. એ ઉલ્લેખનીય છે કે શાહીન બાગમાં પ્રદર્શન કરવાના રોજના 500થી 1000 રૂ. મળવાના દાવા અગાઉ કરાયા હતા અને એ મામલે ખાસ્સો વિવાદ પણ થયો હતો.