મોદી સરકાર સાથે ઐતિહાસિક સમજૂતી: 40 વર્ષથી ચાલતા હિંસક સંઘર્ષનો ધી એન્ડ, બોડોલેન્ડની માંગ બંધ

જમ્મૂ-કાશ્મીર બાદ મોદી સરકારે બોડોલેન્ડ અંગે ઐતિહાસિક પગલું ભર્યું છે.  લાંબા સમયથી ચાલતા બોડોલેન્ડ વિવાદનો અંત હવે પૂર્ણ થવા જઇ રહ્યો છે. મોદી સરકાર અને બોડો સંગઠનો વચ્ચે સમજૂતી થઈ છે, જે અંતર્ગત લાંબા સમયથી ચાલતી બોડોલેન્ડની માંગ બંધ કરવામાં આવશે. લાંબા સમયથી આસામમાં અલગ બોડોલેન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ હવે તેની માંગ કરતા ચાર જૂથોએ હિંસાનો માર્ગ છોડવાનો નિર્ણય લીધો છે.

બોડો સંગઠનોએ સોમવારે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આસામ સરકાર સાથે કરાર કર્યો છે, જે અંતર્ગત બોડોલેન્ડની માંગ કરવામાં આવશે નહીં. નેશનલ ડેમોક્રેટિક ફેડરેશન ઓફ બોડોલેન્ડ (NDFB)ના નેતૃત્વમાં પૂર્વોત્તરમાં અલગ રાજ્યની માંગ કરવામાં આવી હતી, પરંતુ હવે તેને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બોડો સંગઠનો સાથે સમજૂતી બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે કેન્દ્ર સરકાર અને આસામ સરકાર તેમજ બોડોના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતી આસામ અને બોડો લોકો માટે સુવર્ણ ભવિષ્યની ખાતરી કરાવશે. તેમણે કહ્યું કે 130 હથિયારો સાથે 1550 કેડર 30 જાન્યુઆરીએ આત્મસમર્પણ કરશે.

અમિત શાહે કહ્યું કે ગૃહમંત્રી તરીકે હું તમામ પ્રતિનિધિઓને ખાતરી આપવા માંગું છું કે બધા વચનો સમય મર્યાદામાં પૂર્ણ થશે. આ સાથે જ આ મુદ્દે દિલ્હીમાં આસામના મંત્રી હિમંતા બિસ્વા સરમાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે બોડો સમાજના તમામ હોદ્દેદારોએ આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે, આસામની પ્રાદેશિક અખંડિતતાની પુષ્ટિ કરે છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 1987માં આ આંદોલન હિંસક બન્યું હતું, જેમાં 2823 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સિવાય બોડો કેડરના 949 લોકો અને 239 સુરક્ષા દળો પણ માર્યા ગયા હતા.