ગુજરાતી રંગભૂમિને વિશ્વ કક્ષાએ ગૂંજતી કરનાર યઝદી કરંજીયાને પદ્મશ્રી, પારસી કોમેડીને અપાવી અપાર લોકપ્રિયતા

સુરતમાં રહેલી પારસી થિયેટર એટલે પારસી રંગભૂમિના આદ્યપ્રણેતા બનેલા યઝદી નૌશેરવાન કરંજીયાને કેન્દ્ર સરકારે પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. પ્રજાસત્તાક-2020ના પર્વ પર પદ્મશ્રી મેળવાનારા યઝદી કરંજીયા સુરતના સર્વપ્રથમ નાટ્યકાર બન્યા છે. યઝદી કરંજીયાએ પારસી રંગભૂમિની સાથો સાથ ગુજરાતી રંગભૂમિને પણ વિશ્વ કક્ષાએ ગૂંજતી કરી છે.

બહેરામની સાસુ, કૂતરાની પૂંછડી વાંકી, બિચારો બરજોર, વાહ રે બહેરામ વાહ, બહેરામ ઓ બહેરામ, મૂગી સ્ત્રી, હરીશચંદ્ર બીજો, દિનશાજીના ડબ્બા ડૂલ, ઘર ઘૂઘરો ગોટાળો, ગુસ્તાદજી ધોડે ચઢયા જેવા અનેક લોકપ્રિય નાટકો યઝદી કરંજીયાએ કર્યા છે. 83 વર્ષની જૈફ ઉંમરે પણ યઝદી કરંજીયાની નાટકો પ્રત્યેનો લગાવ અકબંધ છે. તાજેતરમાં તેમણે ઉદવાડા ખાતે નાટકની ભજવણી કરી હતી.

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા બાદ યઝદી કરંજીયા જણાવ્યું કે પ્રેમની કદર થાય અને તેનો જે અહેસાસ થાય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આ એક અદ્દભૂત લાગણી છે.

પોતાની નાટ્ય યાત્રા અંગે તેમણે જણાવ્યું કે પિતા સાથે નાટકો સાથેનો નાતો બંધાયો હતો, તે આજદિન સુધી યથાવત છે. સ્ત્રી પાત્રો ભજવ્યા, કોલેજકાળમાં પણ નાટ્ય પ્રવૃત્તિ ચાલતી રહી. દેશભરમાં નાટકોની ભજવણી કરી અને વિદેશોમાં સિંગાપોર, પાકિસ્તાન, કેનેડા, બ્રિટન અને યુરોપ જેવા દેશોમાં પણ નાટકો ભજવ્યા, લોકોનો અપાર પ્રેમ મળ્યો.

યઝદી કરંજીયાએ પારસી રંગભૂમિ જ નહીં પણ ગુજરાતી રંગભૂમિને વૈશ્વિક રંગમંચ સુધી પહોંચડાવા  માટે જે યોગદાન આપ્યું છે તે ન ભૂતો ન ભવિષ્યતી જેવું છે. યઝદી કરંજીયાના ભાઈ મહેરનોશ કરંજીયા પણ નાટ્યકાર હતા.

અત્રે નોંધનીય છે કે ગુજરાતીમાં નાટકોની શરૂઆત પણ પારસી રંગભૂમિ દ્વારા 1853માં થઈ હતી અને પાછળથી પારસી-ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ થયો હતો. 19853માં પહેલું ગુજરાતી નાટક ભજવાયું હતું અને આ નાટક પણ પારસીઓ જ લઈને આવ્યા હતા. પહેલું નાટક શેક્સપિયરના નાટક પર આધારિત હતું.

આ પહેલા પારસી સમાજમાંથી પદ્મશ્રી મેળવનારા મહાનુભાવોમાં અદિ મર્જબાન અને દિનિયાર કોન્ટ્રાક્ટરનું નામ આવે છે.