વોડાફોન-આઈડીયા પર તાળા લાગી જવાની અટકળોને લઈ ચકચાર, 53 હજાર કરોડ ભરવાના બાકી

ભૂતકાળના કેટલાક ક્વાર્ટર્સમાં ભારે નુકસાન અને એજીઆર લેણાંના કારણે નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા (VIL)ને આર્થિક સંકટમાંથી ઉગારી લેવાનો ઉપાય જણાઈ આવી રહ્યો નથી. જોકે, વોડાફોન-આઈડિયાને સરકાર ઈચ્છે તેટલી મદદ કરે તો પણ તે જિઓ અને એરટેલનો મુકાબલો કરી શકવા માટે અસમર્થ છે.

વોડાફોન-આઇડિયા પાસેથી એજીઆરને 53,000 કરોડનું કાયદેસરનું લેણું લેવાનું નીકળે છે. આ રકમ  સુપ્રીમ કોર્ટેના નિર્દેશ અનુસાર 23 જાન્યુઆરીએ ટેલિકમ્યુનિકેશન્સ વિભાગને ચૂકવવાની હતી. પરંતુ કંપનીએ આ સમયમર્યાદા વધારવા માટે કોર્ટમાં અરજી કરી છે, જેના કારણે મામલો અટવાયો છે. જ્યારે સરકારે એમ પણ કહ્યું છે કોર્ટના આદેશ વિના સરકાર કોઈ પગલું ભરશે નહીં.

ડ્યુશે બેંકે જણાવ્યું છે કે જો કેન્દ્ર વોડાફોન-આઈડીયાને સંકટમાંથી બહાર કાઢ્વા માટે વચગાળાના બદલે તાત્કાલિક સહાય પૂરી પાડે તો સરકાર માટે વોડાફોન-આઈડિયાને મદદ કરવી મોંઘો સોદો સાબિત થઈ શકે એમ છે. જર્મન ઈન્વેસ્ટર બેંકે કહ્યું કે, “વીઆઇએલના સહ-પ્રમોટર આદિત્ય બિરલા ગ્રૂપ વ્યવસાયમાં પોતાનો હિસ્સો પાછો ખરીદવા માટે વોડાફોન આઈડિયાને બેન્કોર્પ્ટસીમાં ખસેડવાનું વિચારી શકે છે.

વોડાફોન આઈડિયાએ એજીઆર (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ)ના 53,૦૦૦ કરોડના કાયદાકીય લેણા બાકી છે. કંપનીના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ પહેલેથી જ કહ્યું છે કે સરકાર અથવા કોર્ટ રાહત નહીં આપે તો કંપની બંધ થઈ જશે.