27-28મીએ ગુજરાતના આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે 27મી અને 28મી જાન્યુઆરીએ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આગામી 27મી જાન્યુઆરીએ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે અને 28મી જાન્યુઆરીએ વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં 10.4 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં ઠંડી 11.6 ડિગ્રી નોંધાઈ હતી.

રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. રાજ્યના અન્ય જિલ્લામાં ડીસા 11.5, અમદાવાદ 12.5, કંડલા એરપોર્ટ 13.5 ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે ભુજ 14.3, વડોદરા 14, કંડલાપોર્ટ 13.8 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 15.4, મહુવા 14.9, કેસોદ 14.6, પોરબંદર 15.8, રાજકોટ 16, સુરત 16.2, ભાવનગર 15.6 ડિગ્રી ઠંડી નોંધવામાં આવી હતી.

બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે અને વાદળ છાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વહેલી સવારથી જૂનાગઢ સહિતના વિસ્તારોમાં હવામાન પલટાયું હતું જેનાં પગલે વાદળા છવાય જતાં સવારના સમયે સૂર્યદર્શન પણ થઈ શકયા નહોતા ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક ફેરફારના કારણે સિઝન પાકને નુકસાન થતા તેની સીધી અસર માર્કેટમાં જોવા મળશે.