કોરોના વાયરસે ગુજરાતના વેપારને માર્યો મોટો ફટકો, વેપારીઓ ચીન જવાનું ટાળી રહ્યા છે

ચીનમાં કોરોના વાયરસને કારણે પાંચ શહેરોમાં લોકોની અવરજવર સ્થગિત કરી દેવામાં આવી છે. જેને કારણે અમદાવાદ, સુરત, અંકલેશ્ર્વર સહિતના ગુજરાતના વેપારીઓએ ચીનના પ્રવાસ રદ કર્યા છે.

ગુજરાતમાંથી કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ સહિત સેક્ટરના દરરોજ સરેરાશ 500 જેટલા વેપારીઓ દ્વારા ચીનના વિવિધ શહેરોની નિયમિત રીતે મુલાકાત લેવામાં આવે છે. કોરોના વાઈરસને કારણે હાલ ચીનના પ્રવાસે જવા માગતા અને ગયેલા વેપારીઓને પ્રવાસ રદ કરવાની ફરજ પડી હતી. ભારત અને ચીન વચ્ચેના બિઝનેસમાં 80 ટકા વેપારીઓ ગુજરાતના છે.

ચીનના પાંચ શહેરો વુહાન, હુઆંગગેંગ, એઝોઉ, ઝિઝિઆંગ અને ક્વિનઝિઆંગમાં અંદરથી બહાર જવા અને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઘણાં સમયથી મંદીને કારણે વેપાર- ઉદ્યોગને માઠી અસર પહોંચી છે ત્યારે કોરોના વાઈરસને કારણે ગુજરાતના વેપારીઓને વધુ ફટકો પડવાને પગલે પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એપ્રિલ-2020માં શાંઘાઈમાં ઈન્ટરડાઈ-ટ્રેડ ફેર યોજાવાનો છે. તેમાં સ્ટોલ બુકિંગ કરાવનાર વેપારીઓના ચીન પ્રવાસ રદ કરવાની નોબત આવી છે.

અમદાવાદ સહિત સુરત અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં  વેપારીઓએ  બુકિંગ કરાવ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને ચીનના ગુઆંગડોંગ પ્રાંત વચ્ચે પંદર એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીયલ, ઇન્ફર્મેશન ટૅકનોલોજી અને ફાર્માસ્યુટિકલ સહિતના ક્ષેત્રોમાં લગભગ 3900 કરોડ રૂપિયાના એમઓયુ કર્યા હતા.