નિર્ભયા કેસ: દોષિઓનો ફાંસીથી બચવાનો નવો ખેલ પણ ખતમ, કોર્ટે અરજીનો કર્યો તાત્કાલિક નિકાલ

નિર્ભયાના દોષિતોએ ફાંસી ટાળવા માટે નવા રસ્તા અપનાવી રહ્યા છે. જોકે, દરેક વખતે નિર્ભયાના દોષીઓને હારનો સામનો કરવો પડે છે. શુક્રવારે નિર્ભયકાંડના ચાર દોષિતો પૈકી ત્રણ દોષિતો વિનય, પવન અને અક્ષય ઠાકુર કોર્ટમાં ગયા હતા અને કહ્યું હતું કે, તિહાર જેલ વહીવટીતંત્રે તેમને દસ્તાવેજો પૂરા પાડ્યા નથી. જોકે, આ વખતે પણ ત્રણેયને નિરાશા મળી છે અને કોર્ટે કોઈ પણ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે.

દરમિયાનમાં બચાવ પક્ષના  વકીલે નિર્ભયાકાંડના દોષી વિનય શર્મા દ્વારા જેલની અંદર લખેલી ‘દરિંદા ડાયરી’ની ફોટો કોપી કોર્ટમાં સબમીટ કરી. આ બ્લુ નોટબુકમાં નિર્ભયાના દોષી વિનય શર્માએ શાયરી લખી છે. આ ડાયરીનું કવર પેજ ‘દરિંદા’ સાથે હસ્તલિખિત છે. આ સિવાય વિનય શર્માએ સ્વચ્છ ભારત અભિયાનના ચિત્રો બનાવ્યા છે. તિહાર પ્રશાસને નિર્ભયાના દોષિતોના તમામ દસ્તાવેજો, પેઇન્ટિંગ્સ અને ડાયરીઓ કોર્ટને આપી દીધી છે.

આ પછી ન્યાયાધીશે તમામ દસ્તાવેજો બચવા પક્ષના વકીલને આપવાની મંજૂરી આપી. આ દરમિયાન સરકારી વકીલે કોર્ટને કહ્યું કે નિર્ભયાના આરોપીઓના દસ્તાવેજો, પેઇન્ટિંગ્સ અને ડાયરીની ફોટો કોપી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે નિર્ભયાના દોષીઓને અસલ દસ્તાવેજો, પેઇન્ટિંગ્સ અને ડાયરી આપી શકાતા નથી.

શનિવારે નિર્ભયા કેસમાં દોષિત અક્ષય, વિનય અને પવનની અરજીનો પટીયાલા હાઉસ કોર્ટે નિકાલ કર્યો હતો. કોર્ટે કહ્યું કે હવે આ કેસમાં કોઈ નિર્દેશોની જરૂર નથી. ગુનેગારોની માંગ પર તિહાર જેલ પ્રશાસને તમામ દસ્તાવેજો પૂરા પાડ્યા છે જે ગુનેગારોએ માંગ્યા હતા. જેલ પ્રશાસને કોર્ટને જણાવ્યું હતું કે તેમની પાસે હવે દોષિતો સંબંધિત કોઈ દસ્તાવેજો નથી.