કાશ્મીર: પ્રજાસત્તાક પૂર્વે ત્રાલમાં એનકાઉન્ટર, આતંકી ઠાર, સેનાનાં ત્રણ જવાનને ઈજા

પ્રજાસત્તાક દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ ખાતે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, જ્યારે સેનાના બે જવાનને ઈજા પહોંચી હતી. અગાઉ સેનાએ ત્રાલમાં જેશ-એ-મોહમ્મદનાં ત્રણ આતંકીઓને ઘેરી લીધા હોવાનો દાવો કર્યો હતો. સેનાએ આસપાસના વિસ્તારમાં નાકાબંધી પણ કરી દીધી છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

પ્રજાસત્તાક દિનને કારણે ખીણમાં પહેલાથી જ ચૂસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આતંકવાદીઓની હાજરીના સમાચાર મળતાં જ સેના ત્રાલ પહોંચી હતી અને આતંકવાદીઓને ખતમ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા સેનાના જવાનોને આર્મી બેઝમાં દાખલ કરવામાં આવ્યા છે.

આતંકવાદીઓના મકાનમાં છુપાયેલા હોવાની માહિતી મળતા સેનાએ નજીકના લોકોને મકાન ખાલી કરવા જણાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સેનાને ઘેરી લેનારા આતંકવાદીઓમાં જૈશ સેનાપતિ કારી યાસીર પણ સામેલ હતો. કારી યાસીર પાકિસ્તાની આતંકવાદી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી કારી યાસીર ખીણમાં હત્યાઓમાં સંડોવાયેલો હતો. આ આતંકવાદી પર ત્રાલમાં ગુજ્જરોની હત્યા કરવાનો આરોપ છે. જો કે, હજી સુધી સ્પષ્ટ નથી થઈ ગયું કે સેનાએ જે આતંકીને ઠાર માર્યો છે તે કારી યાસીર છે કે નહીં.

બીજા આતંકીનું નામ બુરહાન શેખ હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આત્મઘાતી બોમ્બર છે. જેના કારણે  સેના ખૂબ કાળજીપૂર્વક ઓપરેશન ચલાવી રહી છે.