ચીન ખાસ આ કામ માટે 10 દિવસમાં 1000 બેડની હૉસ્પિટલ તૈયાર કરશે

ભેદી કોરોનાવાયરસની જ્યાંથી શરૂઆત થઇ હતી અને જ્યાં તેના સૌથી વધુ કેસો નોંધાયા છે તે મધ્ય ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરને અડીને આવેલા એક વિસ્તારમાં આ રોગની સારવાર માટે તાકીદના ધોરણે એક મોટી હૉસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. આ હૉસ્પિટલ એક હજાર પથારીઓવાળી હશે અને દસ દિવસમાં તેનું બાંધકામ કરી દેવાની યોજના છે.

આ હૉસ્પિટલ બે માળની હોઇ શકે છે. મોટા પ્રમાણમાં યંત્રો અને કામદારો આ માટે લાવવામાં આવ્યા છે. કામદારોને અહીં ચાલતા રોજિંદા દર કરતા ત્રણ ગણા દર ચૂકવવામાં આવી રહ્યા છે. તેમને ૧૨૦૦ યુઆન એટલે કે આશરે ૧૨૦૦૦ રૂપિયા અથવા ૧૭૩ ડૉલર્સ રોજના ચૂકવાઇ રહ્યા છે. સાર્સ વખતે જે કંપનીએ સાત દિવસમાં હજાર બેડનું કામચલાઉ સારવાર કેન્દ્ર બનાવ્યું હતું તેને જ આ હૉસ્પિટલ બાંધવા માટેની કામગીરી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં દર્દીઓની લાંબી લાઇનો જોવા મળશે એવા ભયને ધ્યાનમાં રાખીને આ હૉસ્પિટલ બાંધવામાં આવી રહી છે.

આ સુવિધાનો ઉપયોગ ત્રીજી ફેબ્રુઆરી સુધીમાં શરૂ કરવાની ગણતરી છે. સાઇટ પર ડઝનબંધ એક્સકેવેટર્સ અને ટ્રક્સ કામ કરતા દેખાય છે. આ હૉસ્પિટલ ૨૫000 સ્કૅવર મીટર્સ (આશરે ૨૭૦૦૦૦ સ્કૅવર ફિટ)માં ફેલાયેલી હશે. ૨૦૦૩માં ચીને બીજિંગના ગ્રામીણ છેવાડે એક હૉસ્પિટલ માંડ અઠવાડિયામાં ઉભી કરી દીધી હતી. તે વખતે સાર્સ વાયરસના દર્દીઓ માટે આ હૉસ્પિટલ બનાવાઇ હતી.સાર્સ વાયરસે ચીનમાં ૩૪૯ લોકોનો ભોગ લીધો હતો. વુહાનમાં પણ આ જ રીતે પ્રિફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર્સવાળી હૉસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે.