ઓસ્ટ્રેલિયન ઓપન : સેરેના, ઓસાકા, મેડિસન કિઝ અને સ્ટેફાનો સિતસિપાસ અપસેટનો શિકાર

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પાંચમા દિવસ શુક્રવાર જાણે કે અપસેટ ડે બન્યો હતો. શુક્રવારે વિનસ વિલિયમ્સ, નાઓમી ઓસાકા, મેડિસન કિઝ અપસેટના શિકાર બન્યા હતા, જ્યારે મેન્સ સિંગલ્સમાં સ્ટેફાનો સિતસિપાસ અપસેટનો શિકાર બનીને આઉટ થયો હતો. શુક્રવારના પહેલા અપસેટમાં 7 વારની ચેમ્પિયન અમેરિકાની દિગ્ગજ મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સ ચીનની 29મી ક્રમાંકિત વાંગ કિયાંગ સામે હારીને ત્રીજા રાઉન્ડમાં આઉટ થઇ ગઇ હતી. 23 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલી સેરેનાને ત્રીજા રાઉન્ડમાં કિયાંગે 6-4, 6-7, 7-5થી હરાવી હતી. વિશ્વની 29મી ક્રમાંકિત ખેલાડી કિયાંગે આ મેચ જીતવા માટે 2 કલાક અને 40 મિનીટ સુધી સેરેના સામે સંઘર્ષ કરીને મેચ જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

કિયાંગ પહેલો સેટ 6-4થી જીતી લીધો હતો જો કે બીજો સેટ ટાઇ બ્રેકરમાં સેરેનાએ 7-6થી જીત્યો હતો, તે પછી અંતિમ સેટ કિયાંગે ફરી 7-5થી જીતી લઇને મેચ જીતી લીધી હતી. સેરેના માર્ગારેટ કોર્ટના ઓવરઓલ 24 ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવા માગતી હતી, જો કે હવે તેણે વધુ રાહ જોવી પડશે. સેરેના છેલ્લે મેલબોર્નમાં 2017માં ગ્રાન્ડસ્લેમ જીત્યું હતું.

તે પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન રમી રહેલી 15 વર્ષિય તરુણી કોકો ગોફે દિવસનો સૌથી મોટો અપસેટ કરીને ગત વર્ષની ચેમ્પિયન અને ત્રીજી ક્રમાંકિત નાઓમી ઓસાકાને હરાવી હતી. ગોફે આ સાથે ગત વર્ષની યુએસ ઓપનના પરાજયનો બદલો વાળી લીધો હતો. તેણે ઓસાકાને 6-3, 6-4થી સીધા સેટમાં હરાવી હતી. આ ઉપરાંત 19મી ક્રમાકિત મેડિસન કિઝને મારિયા સાકારીએ 6-4, 6-4થી હરાવીને અપસેટ કર્યો હતો, જ્યારે મેન્સ સિંગલ્સમાં મિલોસ રાઓનિચે સિતસિપાસને 7-5. 6-4. 7-6થી હરાવ્યો હતો.

આ તરફ ગત વર્ષની રનરઅપ ચેક પ્રજાસત્તાકની પેટ્રા ક્વિટોવાએ રશિયાની એકતેરિના એલેક્ઝાન્ડ્રોવાને 6-1, 6-2થી સીધા સેટમાં હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. આ ઉપરાંત વર્લ્ડ નંબર વન મહિલા ખેલાડ઼ી એશ્લે બાર્ટીએ કઝાકિસ્તાનની એલેના રિબાકિનાને સીધા સેટમાં 6-3, 6-2થી હરાવી હતી. મેન્સ સિંગલ્સમાં 14માં ક્રમાંકિત ડિએગો સ્વાર્ટઝમેને સર્બિયાના દુસાન લાજોવિચને 6-2, 6-3, 7-6થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.