ભારતમાં ટકોરા દેતું કોરોના વાયરસ: ચીનથી પરત ફરેલા બે લોકોમાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો

મુંબઈમાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. બન્ને શંકાસ્પદ દર્દીઓને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમનું મેકીડલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન કોરોના વાયરસને કારણે ચીનમાં 26 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 830 લોકો ચેપગ્રસ્ત છે. વુહાન સહિત 9 શહેરો બંધ કરાયા છે. વુહાનમાં 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

મળતી માહિતી મુજબ ચીનથી ભારત પરત આવેલા બે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગવાની આશંકા છે. બન્ને દર્દીઓને કસ્તુરબા હોસ્પિટલના અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. કસ્તુરબા હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર બન્ને દર્દીઓને સામાન્ય શરદીનાં લક્ષણો છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી.

ચીનમાં કોરોના વાયરસનો રોગચાળો ફેલાઈ જવાના કારણે લોકોમાં ભય છે. મોટી સંખ્યામાં લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યું છે અને અનેક લોકોનાં મોત નીપજ્યાં છે.

આટલું જ નહીં કોરોના વાયરસ ચેપ અંગે સાવચેતી રાખતા બીએમસીએ ચિંચપોકલીની કસ્તુરબા હોસ્પિટલને વિશેષ સૂચના આપી છે. ચિંચપોકલીની કસ્તુરબા હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે એક અલગ વોર્ડ છે જેથી તેઓને અન્ય દર્દીઓના સંપર્કથી દૂર રાખી શકાય અને તમામ શક્ય સારવાર કરી શકાય.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ અંગે તમામ ડોકટરોને સૂચના આપવામાં આવી છે કે જો આવા લક્ષણોવાળા લોકો મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર જોવા મળે તો તેઓને વિલંબ કર્યા વિના વોર્ડમાં મોકલી આપવાના રહે છે.