ગીરના સિંહોને કેવી રીતે બચાવી શકાય છે? “ધ લાયન કિંગડમ” સિરીઝમાં થ્રીલીંગ સાથે જોવા મળશે આ બધું

ગુજરાત સરકાર દ્વારા ગીરના સિંહને બચાવી લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગીરના સિંહોના વિષયને આવરી લેતી સિરીઝ પણ ટીવીના પરદે આવી રહી છે. આ સિરીઝમાં થ્રીલીંગ સાથે ગીરના સિંહોને કેવી રીતે બચાવી શકાય છે તેનું એક્શન સાથે દર્શાવવામાં આવ્યું છે.

ગીરના જંગલોમાં વસતા એશિયાટિક લાયનની સમગ્ર જાતિનો નાશ થવાનો ભય જીવલેણ કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ (CDV)ને કારણે ફેલાયો હતો. ગીરમાં વસતી એશિયાટિક લાયનની પ્રજાતિ બચાવવા સરકારે ભગીરથ પ્રયાસો આદર્યા અને જીવલેણ રોગ પર કાબુ મેળવ્યો હતો.

સરકારના સહયોગ સાથે વન વિભાગ, પશુ ચિકિત્સકોના ભગીરથ પ્રયાસો પર આધારિત ટીવી સિરીઝ ધ લાયન કિંગડમ વાઇલ્ડ લાઇફ ચૅનલ એનિમલ પ્લેનેટ પર 27 જાન્યુઆરીથી પ્રસારિત થવાની છે. ઓપ્ટિમમ ટેલિવિઝનનાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને ડિરેક્ટર ઉપમા ભટનાગર દ્વારા નિર્મિત ધ લાયન કિંગડમ સિરીઝ જાણીતા વેટરનરી સર્જન સ્ટીવ લિયોનાર્ડ હૉસ્ટ કરી રહ્યા છે.

સિંહોને વાયરસથી બચાવવા વન વિભાગ અને પશુ ચિકિત્સકોની ટુકડી ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ એમાં નગરોની વધેલી સંખ્યા વચ્ચે જંગલના રાજાને બચાવવા ચોવીસ કલાક કેવી તનતોડ મહેનત કરે છે એનું નિરૂપણ દસ એપિસોડની આ સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે. સિરીઝમાં માત્ર આધુનિક ઉપકરણો ધરાવતી વેટરનરી હોસ્પિટલ જ દર્શાવવામાં નથી આવી પણ, ચોમાસામાં ખીલી ઉઠેલા ગીરના હરિયાળા રૂપને જોવાનો પણ મોટો લ્હાવો મળશે. કારણ, પહેલીવાર એવું બન્યું છે કે ચોમાસામાં ગીરના જંગલમાં આ પ્રકારની સિરીઝ ફિલ્માવવામાં આવી હોય.

સાઉથ એશિયા ડિસ્કવરીના કન્ટેન્ટ, ફેક્ચ્યુઅલ અને લાઇફ સ્ટાઇલ એન્ટરટેઇન્મેન્ટ ડિરેક્ટર સાઈ અભિષેકના જણાવ્યા મુજબ આ સિરીઝ ભારતના ગૌરવ સમા ગીર નેશનલ પાર્કના એશિયાટીક સિંહ પરની કટોકટી દૂર કરવામાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી દુનિયા સમક્ષ પહોંચાડવા માટે ધ લાયન કિંગડમ તૈયાર કરવામાં આવી છે.

દસ એપિસોડની સિરીઝ ધ લાયન કિંગડમનો પ્રીમિયર 27 જાન્યુઆરીના રાત્રે 9 વાગ્યે એનિમલ પ્લેનેટ પર થશે.