મધુ શ્રીવાસ્તવના આરોપ અંગે કૌશિક પટેલનો જવાબ, નીતિન પટેલે કહ્યું “સરકારમાં કોઈ હનુમાન નથી, બધા રામ છે”

વાઘોડીયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની રાજીનામાંની ચીમકીના મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મધુ શ્રીવાસ્તવની નારાજગી પ્રજાના પ્રશ્ન માટે હોય શકે છે, તેઓ બચાવ કરીને મધુ શ્રીવાસ્તવને સમજાવવા, મનાવવા અને ભાજપમાં એકતા હોવાનું નિવેદન આપ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે-કેતન ઈનામદારની જેમ મધુ શ્રીવાસ્તવની નારાજગી પણ દૂર કરવામાં આવશે. તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ નારાજ થતા નથી, દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં મનગમતા કામ કરવા માંગતા હોય છે. જે માટે તેઓ સંબધિત અધિકારીઓ પાસે માંગ પણ કરતા હોય છે. સિંચાઇ વિભાગમાં મધુશ્રી વાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અનુસાર સરકાર મંજૂરી આપવા કટિબદ્ધ છે. અમારી સરકારમાં કોઈ હનુમાન નથી બધા રામ છે. સરકાર પાસે બધાની ઘણી માંગણીઓ હોય છે. પરંતુ સરકાર પોતાની જોગવાઇ અનુસાર કામ કરે છે. મધુ શ્રીવાસ્તવનું નિવેદન સ્વાભાવિક છે. તેઓનો સ્વભાવ ઉગ્ર છે. જે રીતે એમની કામ કરવાની પદ્ધતિ છે, બોલીને આ બધું કરતા હોય છે, પણ એમના મનમાં કોઈના માટે આવી ભાવના હોતી નથી.

જેમના પર જુઠ્ઠા હોવાનો મધુ શ્રીવાસ્તવે આરોપ મૂક્યો હતો તેવા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું કે મધુભાઈ અમારા સંનિષ્ઠ ધારાસભ્ય છે, બધા ધારાસભ્યો કામ માટે આવતા હોય છે અમે કામ કરીએ છીએ. મધુભાઈનું જે કામ છે અમારા વિભાગનું એમના વિધાનસભા વિસ્તારમાં એક તળાવની અંદર બ્યુટીફિકેશન અને શંકર ભગવાનની મૂર્તિ મુકવાનું કામ આપ્યું છે. આ સમગ્ર બાબતે હાઈકોર્ટે સ્ટે આપેલા છે કે તળાવનું કંઈપણ બ્યૂટીફિકેશનનું કામ કરવું તો પરવાનગી લઈને જ કરી શકાય. જ્યાં સુધી પરમિશનની વાત છે ત્યાં સુધી ઈરિગેશન ડિપાર્ટમેન્ટ અને મહેસૂલ ડિપાર્ટમેન્ટ અમારા તરફથી અમે હાઈકોર્ટમાં જે પરમિશન લેવાની છે તે પ્રક્રિયા અમે કરી દીધી છે. બ્યૂટી ફિકેશનનું કામ સારું છે એટલે અમે બધા ઈચ્છીએ છીએ કે સરસ કામ થાય, બને એટલું વહેલુ થાય તેના માટે પ્રયાસ કરીશું પણ કોર્ટ મેટર છે એટલે હાઈકોર્ટમાં પ્રક્રિયા કરી છે.